Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

કોંગ્રેસ અને ભાજપ બન્નેએ મહિલાઓને દેખાડયો ઠેંગો

મહિલા સશકિતકરણ-મહિલા ભાગીદારીની માત્ર વાતો જ : એકે ૧૦ બેઠક ફાળવી, બીજીએ ૧ર

નવી દિલ્હી તા. ર૯: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં આ વખતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સભાઓ ગજવીને વાહ-વાહ મેળવી છે અને તેમનાં ભાષણોની ચોરે ને ચૌટે સરાહના થઇ રહી છે ત્યારે સભાઓ ગજવતી વખતે રાહુલ ગાંધી ગુજરાતની મહિલાઓને આપેલું પ્રોમિસ પુરૃં કરી શકયા નથી. વધુ ને વધુ મહિલાઓને ટિકિટ ફાળવીશું એવું બોલનાર રાહુલ ગાંધી બોલીને ફરી ગયા હોય એવો ઘાટ સર્જાયો છે, કેમ કે ગુજરાતમાં કોંગ્રેસે માત્ર ૧૦ મહિલાઓને ઉમેદવાર બનાવી છે. બીજી તરફ મહિલા-સન્માનની વાત કરતી ભાજપએ પણ મહિલાઓને સમ ખાવા પૂરતી ટિકિટો ફાળવી છે.

રાહુલ ગાંધીએ તાજેતરમાં સાબરકાંઠામાં જુદી-જુદી સભાઓમાં સંબોધન કરતાં કહ્યું હતું કે 'ગુજરાતમાં વધુ ને વધુ મહિલાઓને વિધાનસભ્યની ટિકિટ આપીશું અને વિધાનસભા સુધી પહોંચાડીશું. સમય આવ્યે લોકસભા અને રાજયસભામાં રિઝર્વેશન આપીશું. લોકસભા અને રાજયસભામાં તમારી જગ્યા બનાવીશું.'

આવું બોલ્યા પછી જયારે ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી ત્યારે કોંગ્રેસે માત્ર ૧૦ મહિલાઓની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. ઉમેદવારોની પસંદગી સમયે રાહુલ ગાંધીને તેમનું વચન યાદ આવ્યું નહીં અને વધુ ને વધુ મહિલાઓને ઉમેદવાર બનાવવાથી દૂર રાખી હતી. રાહુલ ગાંધી ગુજરાતની મહિલાઓને પ્રોમિસ કરીને ફરી ગયા છે અને ગુજરાતની મહિલાઓને જાહેરમાં આપેલું પ્રોમિસ પાળવામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ ઊણા ઉતર્યા છે. જોકે ભાજપએ પણ હરખાવા જેવું નથી, કેમ કે ગુજરાતમાં ભાજપએ ૧૮ર ઉમેદવારોમાંથી માત્ર ૧ર મહિલા ઉમેદવારોની પસંદગી કરી છે. ગુજરાત અને દેશમાં ભાજપ દ્વારા મહિલાઓના આત્મસન્માનની વાતો જોરશોરથી કરવામાં આવે છે, પરંતુ મહિલાઓને ઉમેદવાર તરીકે જાહેર કરવાની વાત હોય ત્યારે ભાજપએ પણ એમાં પાછપાની કરી છે.

૩૩ ટકા મહિલા અનામતની વાતો કરતા નેશનલ લેવલના રાજકીય પક્ષોએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓને ૧૦ ટકા ટિકિટ પણ ફાળવી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૧૮ર બેઠકોમાંથી ભાજપએ માત્ર ૧ર મહિલાઓને, જયારે કોંગ્રેસે માત્ર ૧૦ મહિલાઓને ટિકીટ ફાળવી છે.(

ગુજરાતમાં કોના કેટલા ઉમેદવાર ?

ભાજપ

૧૮ર

કોંગ્રેસે

૧૭૬

એનસીપી

૬૬

એએપી

૩૩

નોંધઃ કોંગ્રેસે ૬ બેઠકો પર ગઠબંધન કર્યું છે જેમાં વડગામની બેઠક પરથી દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણી ચૂંટણી લડતો હોવાથી કોંગ્રેસે તેને સપોર્ટ કરવા આ બેઠક પરથી કોઇ ઉમેદવાર ઊભો નથી રાખ્યો. જયારે દક્ષિણ ગુજરાતમાં છોટુભાઇ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે પાંચ બેઠકો પર ગઠબંધન કર્યું છે અને આ પાંચ બેઠકો પર કોંગ્રેસે એના કોઇ ઉમેદવાર ઉભા નથી રાખ્યા.

 

(3:43 pm IST)