Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

માર્ગ અકસ્માતમાં મોતના આંકડામાં નોંધપાત્ર ઘટાડો

મોતના આંકડામાં અનેક ગણો ઘટાડો થઇ ગયો : પંજાબમાં મોતના આંકડામાં ૧૪.૪ ટકા સુધીનો ઘટાડો

નવી દિલ્હી,તા. ૨૯ : દેશમાં માર્ગ અક્સમાતોમાં મોતના આંકડામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૭માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં આંકડો ઘટ્યો છે. માર્ગ અકસ્માતોને રોકવા માટે સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા લેવામાં આવેલા પગલાના કારણે  સીધી રીતે ફાયદો થયો છે. માર્ગ સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી પેનલ દ્વારા રાજ્ય સરકારો સાથે આંકડાની આપલે કરવામાં આવી છે. મોટા રાજ્યોની વાત કરવામાં આવે તો પંજાબમાં માર્ગ અકસ્માતમાં સૌથી  વધુ ૧૪.૪ ટકાનો ઘટાડો થયો છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં માર્ગ અકસ્માતમાં મોતનો આંકડો ૧૩.૭ ટકા સુધી ઘટી ગયો છે. આંકડાની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં આ ગાળા દરમિયાન મોતનો આંકડો સૌથી વધુ ઘટ્યો છે. અહીં મોતનો આંકડો ૭૭૫ સુધી ઘટ્યો છે. આ ઘટાડો ટકામાં ૧૨.૬ ટકાની આસપાસ છે. મહારાષ્ટ્રમાં ૮૦૭ સુધી આંકડો ઘટી ગયો છે. મહારાષ્ટ્માં જાન્યુઆરી-સપ્ટેમ્બર ૨૦૧૬માં મોતનો આંકડો ૯૭૬૭ હતો. જે હવે ઘટીને ૮૯૬૦ સુધી થઇ ગયો છે. આવી જ રીતે ગુજરાતમાં આ ગાળા દરમિયાન જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૧૬માં મોતનો આંકડો ૬૧૬૮ નોંધાયો હતો. જેની સામે હવે આ આંકડો ઘટીને ૫૩૯૩ થઇ ગયો છે. જુદા જુદા રાજ્યોમાં પણ આવી જ સ્થિતી રહી છે. સામાન્ય રીતે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની સીધી અસર જોવા મળી રહી છે. ટકામાં જોવામાં આવે તો ઘટાડો પંજાબમાં સૌથી વધારે જોવા મળે છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાશિત પ્રદેશોની વાત કરવામાં આવે તો જાન્યુઆરી-સપ્ટેમ્બર ૨૦૧૭માં આ આંકડો ૧૦૮૮૮૭ થયો છે. તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

(12:38 pm IST)