Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017


વોટ્સએપમાં આવ્યું એક નવું ફીચર, આ રીતે કરો યુઝ

નવી દિલ્હી તા. ૨૯ : વોટ્સએપ અને ફેસબુક બન્ને પ્લેટફોર્મ પોતાની એપ્લિકેશન્સમાં નવા નવા ફીચર્સ એડ કરતા હોય છે. તાજેતરમાં જ વોટ્સએપ દ્વારા રિકોલ ઓપ્શન આપવામાં આવ્યો છે. હવે એક નવા અપડેટમાં વોટ્સએપ પર વીડિયો મોકલતા અને જોતા લોકો માટે ખાસ ફીચર આપવામાં આવ્યું છે.

નવા અપડેટમાં Picture-in-Picture મોડ આપવામાં આવ્યું છે, જેમાં તમે વોટ્સએપ ચેટમાં જ યૂટ્યુબના વીડિયો પ્લે કરી શકશો. આ પહેલા યૂટ્યૂબ લિંક પર કિલક કરીને અન્ય ટેબમાં રિડાયરેકટ થવુ પડતુ હતુ. અપડેટ પછી માત્ર એક કિલક કરતા જ વીડિયો તે ચેટમાં જ પ્લે થશે. વોટ્સએપના વર્ઝન ૨.૧૭.૮૧માં નવા અપડેટની જાણકારી આપવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે તમે બીજા કોઈ ચેટમાં નેવિગેટ કરતા સમયે પણ સતત વીડિયો જોઈ શકો છો.

આ ફીચરને કારણે તમે મલ્ટી ટાસ્કિંગ કરી શકો છો. તમે યૂટ્યૂબ પર વીડિયો જોઈ રહ્યા છો અને અન્ય કોઈ ચેટમાં જવુ છે તો વીડિયો બંધ નહીં થાય અને તમે સતત જોઈ શકશો.

આ અપડેટ iOS યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને તમે એપ સ્ટોરથી વોટ્સએપ અપડેટ કરી શકો છો. એન્ડ્રોઈડ યુઝર્સને આ અપડેટ કયારે મળશે તેની કોઈ જાણકારી આપવામાં નથી આવી.

(12:37 pm IST)