Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ટ્રકોની કેબિનમાં એસી ફરજીયાત થશે

આવતા વર્ષથી ફરજીયાત બનાવતુ કેન્દ્રઃ કેબિનમાં એસી લગાડવાથી માર્ગ અકસ્માતો ઘટશે

નવી દિલ્હી તા. ૨૯ : માર્ગ દુર્ઘટના ઘટાડવાના હેતુથી સરકારે ટ્રકોની કેબિનને એસીવાળી કરવાની નિર્ણય કર્યો છે. નવા વર્ષથી બનતા દરેક ટ્રકોમાં એસી અથવા એરકુલર લગાવવાનું જરૂરી બનશે.

વિશેષજ્ઞોનો દાવો છે કે, તેનાથી ડ્રાઇવરોની ભૂલથી થતા માર્ગ અકસ્માતમાં ૩૦ ટકાનો ઘટાડો થશે. સરકારે તેની અધિસુચના જાહેર કરી દીધી છે. માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયે અગાઉ અધિસુચના જાહેર કરીને નાના-મોટા ટ્રકોની કેબિનમાં એસી અનિવાર્ય કરવાના આદેશ આપ્યા છે. એટલે કે જાન્યુઆરી ૨૦૧૮થી રસ્તા પર આવતા ટ્રકોની કેબિનમાં એસી અથવા એરકુલર લાગેલું હશે. સરકાર છેલ્લા છ મહિનાથી વ્યાવસાયિક વાહનોમાં એ.સી. લગાવા માટે બધા હિતધારકો સાથે વાતચીત કરી રહી હતી. જો કે સરકારના આ પ્રસ્તાવનું વાહન નિર્માતા કંપની અને ટ્રાન્સપોર્ટર વિરોધ કરી રહ્યા હતા. સરકારે દર વર્ષે દેશમાં થતાં માર્ગ અકસ્માતના આંકડા જાહેર કરતા સમયે દાવો કરે છે કે, ૭૦ ટકા અકસ્માતો ડ્રાઇવરોની ભૂલના કારણે થાય છે. મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, ટ્રકની કેબિનનું તાપમાન બહારના તાપમાનની વધુ હોય છે.

લાંબા અંતરના ડ્રાઇવિંગમાં થાક લાગવાના કારણે મોટી સંખ્યામાં અકસ્માત થાય છે. જેથી એ.સી.વાળી કેબિન હોવાના લીધે ડ્રાઇવરની ક્ષમતા વધશે અને અકસ્માતોનું પ્રમાણ ઘટશે.(૨૧.૧૦)

 

(11:28 am IST)