Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

મહામુકાબલો... મોદી - રાહુલ બંને સૌરાષ્ટ્રમાં

સૌરાષ્ટ્રમાં જામતો ચૂંટણીનો રંગઃ પહેલીવાર બંને કટ્ટર હરીફો એક જ જિલ્લામાં: બંને પક્ષોના મોભીઓની સભાઓ વચ્ચે માત્ર ૪૦ કિમીનું અંતરઃ પાટીદારોને રીઝવવા બંને નેતાઓના

પ્રયાસોઃ મોદીના ત્રણ દિવસીય ગુજરાત પ્રચારનો આજે છેલ્લો દિવસ રાજ્યમાં જીત માટે રાહુલ ગાંધી હવે સોમનાથના શરણે

નવી દિલ્હી તા. ૨૯ : આજે બુધવારે પહેલીવાર એવું બનશે કે ચૂંટણી પ્રચાર માટે બંને વિરોધ પક્ષના એક સાથે જ રાજય જ નહીં પરંતુ એક જ જિલ્લામાં હશે. જયારથી ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ છે કોંગ્રેસના રાહુલ ગાંધી અને ભાજપના નરેન્દ્રભાઇની ગુજરાત મુલાકાતો શરૂ થઈ ગઈ છે. જોકે બંને વિરોધી નેતાઓ પોતાની પ્રચાર સભા માટે કયારેય એક સમયે રાજયમાં રહ્યા નથી. પરંતુ આજે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં પ્રચાર માટે ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તો પીએમ મોદી તેમના સૌરાષ્ટ્ર પ્રચારના છેલ્લા તબક્કામાં છે.

વધુ રસપ્રદ બાબત તો એ છે કે બંને નેતા આજે થોડા કલાકો માટે ગીર-સોમનાથ જિલ્લામાં રહેવાના છે. જોકે તેમની વચ્ચે કેટલુંક અંતર હશે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ વડાપ્રધાન મોદી આજે ૧.૨૫ વાગ્યાની આસપાસ ગીર-સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે પહોંચશે જયારે આ જ સમયે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૧૨.૩૦ વાગ્યે દીવ એરપોર્ટ પર ઉતરીને ૧ વાગ્યા સુધીમાં સોમનાથ મંદિર પહોંચશે. જયારે પીએમ મોદીએ આ પહેલા ઘણી વખત સોમનાથ મંદિરની મુલાકાત લઈ ચૂકયા છે પરંતુ આ વખતે આટલા નજીક હોવા છતા તેઓ મંદિરે નહીં જાય તેની પાછળ રાહુલની મુલાકાત છે કે પછી તેમના અન્ય કાર્યક્રમોની વ્યસ્તતા તે અટકળોનો વિષય છે.

ગીર-સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખ ઝવેર ઠકરારે સ્પષ્ટતા કરતા કહ્યું કે બંને નેતાઓના સભા સ્થળ વચ્ચે ૪૦ કિમીનું અંતર છે. જે જોતા કોઈપણ સ્થળે તેમના ભેગા થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેમજ શું રાહુલ સોમનાથ મંદિરમાં આજે જવાના છે એટલા માટે મોદી આજે મુલાકાત નહીં લે તેમ પુછવામાં આવતા તેમને કહ્યું કે, 'રાહુલ ગાંધીની મુલાકાતથી કોઈ ફરક નથી પડતો. અમારી પાસે તેમનો જે પ્રોગ્રામ આવ્યો છે. તે મજુબ તેઓ મોરબીથી સીધા જ અહીં આવી રહ્યા છે જેથી મંદિરની મુલાકાત નથી.'

૨૭ નવેમ્બરના રોજ નરેન્દ્રભાઇએ ચાર જિલ્લામાં સભા કરી હતી. જેમાં કચ્છમાં ભુજ, રાજકોટમાં જસદણ, અમરેલીમાં ધારી અને સુરતમાં કામરેજ ખાતે મહાસભાઓ યોજી હતી. મોદીએ આ ત્રણ દિવસીય પ્રચાર સભાઓમાં ૩૮ જેટલા વિધાસભા ક્ષેત્રોમાં પ્રચાર કર્યો છે. જેમાંથી મોટાભાગના વિધાનસભા ક્ષેત્રો પાટીદાર પ્રભુત્વ ધરાવે છે. જેમાં આ પહેલા ૨૦૧૨માં ભાજપ ૩૮ પૈકી ૩૧ પર વિજયી નીવડ્યું હતું.

આજે બુધવારે તેઓ ૪ મહાસભા દ્વારા બીજા ૨૪ જેટલા વિધાનસભા ક્ષેત્રોને આવરી લેશે. દિવસની શરૂઆત તેઓ રાજકોટના મોરબીથી કરશે અને પછી ત્યાંથી ગીર-સોમનાથના પ્રાચીની મુલાકાત લેશે. અહીંથી બપોરે ૩-૩૦ વાગ્યે પાલિતાણા પહોંચશે અને છેલ્લા સ્ટોપ તરીકે દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે સાંજે મહાસભાને સંબોધીત કરશે.

જયારે બીજી તરફ રાહુલ ગાંધી અમરેલી ખાતે મહાસભાને સંબોધીત કરતા પહેલા જુનાગઢના વિસાવદર અને અમરેલીના સાવરકુંડલા ખાતેથી સ્થાનિકો સાથે ચર્ચા સભા કરશે. રાહુલ બુધવારની રાત ગુજરાતમાં જ રોકાશે અને બીજા દિવસે એટલે કે આવતીકાલે ગુરુવારે તેઓ લાઠીથી પોતાની રેલી શરુ કરશે જે અમરેલીના ઢસાથી ગઢડા, બરવાળા અને વલ્લભીપુર સુધી પહોંચશે. જે બાદ બોટાદ ખાતે તેઓ જાહેર સભાને સંબોધીત કરશે અને પોતાની મુલાકાત ભાવનગરની નરી ચોકીડ ખાતે ચર્ચા સભામાં ભાગ લઈને પૂર્ણ કરશે.

મોદી અને રાહુલ બંને માટે પાટીદારોના વર્ચસ્વ ધરાવતા સૌરાષ્ટ્રમાં પક્ષને જીતાવવો ખૂબ જરૂરી છે. તો ગીર-સોમનાથ જીલ્લામાં કોળી સમાજની વસ્તી વધુ છે જે મોટાભાગના માછીમારી અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જયારે અમરેલી અને જુનાગઢમાં પાટીદાર અને બ્ગ્ઘ્ બંનેની મિશ્ર વસ્તી છે. તો ભાવનગરમાં પાટીદારો વધુ પ્રભુત્વ ધરાવે છે

(10:12 am IST)