Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

યુવા ત્રિપુટીથી કોંગ્રેસને મોટો ફાયદો થાય તેવી શકયતા ઓછી

ના ના કરતા રાજકીય અખાડામાં કુદી પડેલા હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશને ભીંસમાં લેવાનુ ભાજપ માટે સરળ બની ગયુઃ કોંગ્રેસના સંખ્યાબંધ કાર્યકરોમાં ત્રિપુટી સામે ભયંકર ગુસ્સો-નારાજગીઃ અનેક નિષ્ક્રિય થઇ ગયાઃ જીજ્ઞેશને તો બહારનો ઉમેદવાર ગણવા લાગ્યા

નવી દિલ્હી તા.ર૯ : રાજકીય મહત્વકાંક્ષા નથી એવુ કહીને લાઇમલાઇટમાં આવેલ ગુજરાતની યુવા ત્રિપુટી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી ના ના કરતા રાજકીય અખાડામાં કુદી પડયા છે. જેના કારણે અનેક સમીકરણો ઉલટફેર થઇ ગયા છે. તેમણે રાજકીય મહત્વકાંક્ષા નથી એવુ કહીને મહત્વકાંક્ષાની છબી કેમ બદલી ? તેના અનેક કારણો હોઇ શકે છે પરંતુ આનાથી કોંગ્રેસને કોઇ રાજકીય ફાયદો નહી થાય કારણ કે કોંગ્રેસને આ યુવા ત્રિપુટીનુ સમર્થન પહેલેથી જ પ્રાપ્ત હતુ.

અલ્પેશ રાધનપુરમાં કોંગ્રેસની ટીકીટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે. જયારે જીજ્ઞેશ વડગામથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ છે. જીજ્ઞેશને કોંગ્રેસનું પુરૂ સમર્થન છે કારણ કે તેણે ત્યાં ઉમેદવાર નથી મુકયો. ઉંમર ઓછી ઉંમર હોવાને કારણે હાર્દિક પટેલ ચૂંટણી લડતો નથી પરંતુ તેણે કોંગ્રેસને સમર્થન આપવાનો સંકેત પહેલેથી જ આપી દીધો હતો. આ ખેલમાં હવે સત્તાધારી ભાજપની ચાલ શરૂ થઇ ગઇ છે.

હાર્દિક કે અલ્પેશની પાસે પોતાના સમર્થનવાળા પક્ષની તરફ વાળવા લાયક જે વોટ હતા તેને ભાજપ પોતાની તરફ ખેચવાના પ્રયાસમાં લાગી ગયુ છે. ભાજપ એ પોઇન્ટને જોરશોરથી ચગાવવાનો પ્રયાસ કરે છે કે બંને શરૂઆતમાં ખુદને એવા નેતા તરીકે રજુ કર્યા હતા કે જે પર્સનલ એજન્ડા છોડીને પોતાના સમુદાયને હક્કની વાત કરતા હતા. હવે હાર્દિક અને અલ્પેશ ચૂંટણીના મેદાનમાં કુદી પડયા છે તેથી સત્તાધારી ભાજપ માટે તેઓની આ છબી પર પ્રહાર કરવાનુ સરળ બની ગયુ છે.

આ સિવાય આક્રમક વલણ અપનાવનાર પાસના સભ્ય કોંગ્રેસ ઉપર પ્રેશર લાવીને અનેક બેઠકો ઉપર ઉતારવામાં આવેલા ઉમેદવારો બદલવામાં સફળ રહ્યુ છે અને એ વાત કોંગ્રેસના કાર્યકરોને ગમી નથી. પાસ સાથે નજીકનો ઘરોબો રાખવાને કારણે કોંગ્રેસના સેંકડો કાર્યકરોમાં અસંતોષ છે અને તેઓ પાટીદાર ઉમેદવારો માટે કામ કરવા તૈયાર નથી.

સુરતથી વિશ્વસનીય સુત્રોના જણાવ્યા પ્રમાણે પાટીદાર યુવકો પાસના પસંદગીના ઉમેદવારો માટે જોરદાર કામ કરે છે એનાથી કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી છે આનાથી કોંગ્રેસ માટે ગ્રાઉન્ડ લેવલે કામ કરનાર કાર્યકરોનો ઉત્સાહ તુટી રહ્યો છે અને તેઓ નિષ્ક્રિય થઇ ગયા છે એવામાં ચૂંટણી પ્રચારનો ભાર પાસ ઉપર આવી ગયો છે.

જીજ્ઞેશ મેવાણી પાસે હાર્દિક અને અલ્પેશ જેવો વ્યાપક જનાધાર નથી પરંતુ પોતાની કોમ્યુનિકેશન સ્કીલને કારણે તે લોકપ્રિય છે. દલિતોની ૭ ટકાની વસ્તીને કારણે મેવાણીને જનાધારવાળો દલિત લીડર બનાવામાં ઘણી મહેનત કરવી પડી છે. ટ્રાન્સફરેબલ વોટ ઘણા ઓછા હોવા છતાં વડગામથી તેની ઉમેદવારી થતા કોંગ્રેસના કાર્યકરોમાં ગુસ્સો છે આ લોકો મેવાણીને બહારનો ગણે છે જેનાથી ભાજપને ફાયદો થઇ શકે છે.

(9:43 am IST)