Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ભારત અને જાપાન વચ્ચે છ સમજૂતિ પર હસ્તાક્ષર થયા

મોદી અને સિન્જો વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાઈ : હાઈસ્પીડ ટ્રેન સહિતના ક્ષેત્રોમાં સમજૂતિ કરાઇ : જાપાની રોકાણકારો ૨.૫ અબજ ડોલરનું મૂડીરોકાણ કરવા તૈયાર

ટોકિયો, તા. ૨૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સિન્જો અબે વચ્ચે આજે ઐતિહાસિક દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી જેમાં સંબંધોને નવી ઉંચાઈ ઉપર લઇ જવાના ઇરાદા સાથે અનેક સમજૂતિઓ કરવામાં આવી હતી. જાપાનના પાટનગર ટોકિયોમાં આ શિખર બેઠક યોજાયા બાદ છ મહત્વની સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને વડાપ્રધાનો વચ્ચે હાઈસ્પીડ ટ્રેન અને નેવી કોર્પોરેશન સહિત છ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન બંને દેશોના સંરક્ષણમંત્રીઓ અને વિદેશ મંત્રીઓ વચ્ચે  ૨+૨ મંત્રણાને લઇને પણ સહમતિ થઇ હતી. મોદીએ બેઠક બાદ સંયુક્ત નિવેદન વેળા કહ્યું હતું કે, અમે બંને ડિજિટલ પાર્ટનરશીપથી સાયબર સ્પેશ, આરોગ્ય, સંરક્ષણ, દરિયાઈથી અંતરિક્ષ ક્ષેત્રોમાં સહકાર કરવા માટે આગળ વધી રહ્યા છે. આજે તેમને કહેવામાં આવ્યું છે કે, જાપાનના મૂડીરોકાણકારો ભારતમાં ૨.૫ અબજ ડોલરની રોકાણ કરનાર છે. આનાથી મોટાપાયે લોકોને રોજગારી મળશે. દેશના વિકાસની ગતિને અનેક ગણીરીતે વધારી શકાશે. મોદીએ કહ્યું હતું કે, ટોકિયોમાં જેરીતે તેમનું સન્માન કરવામાં આવ્યું છે તેનાથી તેમની આ યાત્રા યાદગાર બની ગઈ છે. જાપાન વિશ્વના એવા દેશોમાં સામેલ છે જે દેશે સિખવાડ્યં છે કે, માનવી વિકાસ અને નવી તથા જુની ચીજો વચ્ચે કોઇપણ ખેંચતાણ નથી. બંને વચ્ચે સમાનતા રહેલી છે. ભારત અને જાપાન વચ્ચે ખુબ નજીકથી સમાનતા રહેલી છે. બંને દેશોના સંબંધ લોકશાહી મુલ્યો ઉપર આધારિત છે. મોદીએ જાપાનને જી-૨૦ સમિટ, રગ્બી વર્લ્ડકપ અને ૨૦૨૦ ઓલિમ્પિકનું આયોજન કરવા બદલ શુભકામના આપી હતી. જાપાનના વડાપ્રધાન સિન્જો અબેએ કહ્યું હતું કે, જાપાન અને ભારતના સંબંધ વિશ્વના સૌથી સારા દ્વિપક્ષીય  સંબંધો પૈકી એક છે. ભારતના વડાપ્રધાન કઠોર નિર્ણય લેવામાં મજબૂત નેતા છે. સંરક્ષણ, અંતરિક્ષ અને સાયબર સહયોગને મજબૂત કરવા બંને દેશો વચ્ચે સમજૂતિ થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીથી જાપાન યાત્રાએ રવાના થતાં પહેલા મોદીએ ભારત અને જાપાનને પારસ્પરિક લાભવાળા ગઠબંધન તરીકે ગણાવીને પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આર્થિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિકીકરણમાં ભારત માટે જાપાન સૌથી વિશ્વાસપાત્ર ભાગીદાર છે. વડાપ્રધાન બન્યા બાદ મોદીની અબેની સાથે સૌથી પહેલી બેઠક સપ્ટેમ્બર ૨૦૧૪માં થઇ હતી.

મોદી સાથે આવતીકાલે બેઠક યોજાય તે પહેલા સિન્જો અબેએ વડાપ્રધાન મોદીને સૌથી વિશ્વાસપાત્ર મિત્રો પૈકી એક તરીકે ગણાવ્યા હતા. ગઇકાલે રવિવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે યામાન્ચી પહોંચ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાને પોતાના જાપાની સમકક્ષ સિન્જો અબેની સાથે એક્સપ્રેસ ટ્રેન કેજીની મુસાફરી કરી હતી. બંનેએ યામાનસી સ્થિત ઔદ્યોગિક રોબોટ કંપની ફાનુકની ફેક્ટ્રીને પણ નિહાળી હતી. વાપસીમાં ટ્રેનમાં યાત્રા કરી હતી. આ પહેલા દિવસમાં મોદીનું હોટલ માઉન્ટ ફુજી પહોંચ્યા બાદ અબેએ ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને નેતા બગીચામાં વાતચીત કરતા નજરે પડ્યા હતા. મોદીએ પોતાના જાપાની સમકક્ષ અબેને બે કલાત્મક ચીજોની ભેંટ આપી હતી.

(8:28 pm IST)