Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સોશીઅલ મિડીયા ઉપર વધારે ટાઇમ ફાળવતા લોકો બહુ ઝડપથી ડીપ્રેશનનો શિકાર બની જાય છેઃ યુનિવર્સિટી ઓફ પિટસબર્ગની સ્કૂલ ઓફ મેડિસીનના અભ્યાસનું તારણઃ અર્ધી રાત્રે પણ ફેસબુક,વ્હોટસએપ જેવા માધ્યમો દ્વારા ફોટાઓ અને મેસેજનો મારો ઊંઘ હરામ કરી દેનારોઃ વ્યકિતગત સેલ્ફી, લગ્નજીવનની રોમાંચક ક્ષણો, સહિતની પર્સનલ લાઇફને પબ્લીક લાઇફ બની જતી અટકાવો

વર્તમાન સમયમાં સોશીઅલ મિડીયાની સમાજ ઉપરની પકકડ તથા વ્યસનએ લોકોના વ્યકિતગત જીવન ઉપર અવળી અસરો દેખાડવાનું શરૂ કરી દીધુ છે.

વ્હોટસએપ, ઇન્સ્ટાગ્રામ,ફેસબુક, સહિતના માધ્યમોથી ફોટા અને મેસેજના વહેતા ધોધ અને તેના ઉપર મળતી લાઇકસ જાણે કે જીવન બની ગયુ છે. પરંતુ આ માધ્યમથી રજુ થતા રજાઓમાં આનંદ માણવાના ફોટાઓ, સેલ્ફી, તથા મેસેજ અન્યોના જીવનમાં લઘુતાગ્રંથિ લાવનારા બની રહે છે.તેનો ભાગ્યે જ વિચાર કરવામાં આવે છે. આવો આનંદ નહી માણી શકતા લોકો સોશીઅલ મીડિયા ઉપર ફોટા અને મેસેજ જોઇ ઘણી વખત ડીપ્રેશનનો પણ ભોગ બને છે. ઉપરાંત અર્ધી રાત્રે પણ મેસેજ આવતા જોવાની ટેવ પડી જાય છે.

એક સમય એવો હતો કે જયારે બધા મિત્રો રૂબરૂ ભેગા થઇ ટોળ ટપ્પાનો આનંદ માણતા હતા. જે મિત્રો સાથેની આત્મીયતા વધારવાનું માધ્યમ હતું. તેનું સ્થાન હવે સોશીઅલ મિડીયાએ છીનવી લીધુ છે. અલબત દૂરના અંતરે વસતા સ્નેહીજનો સાથે સંપર્ક કરાવી આપતા સોશીઅલ મિડીયાની ટીકા કરવાનો હેતુ નથી. પરંતુ અર્ધો દિવસ પણ જો મોબાઇલ પોતાની પાસે ન હોય તો માણસ બેબાકળો બની જાય છે. વારે ઘડીયે કે અર્ધી રાત્રે પણ ઉઠતા વેંત મોબાઇલ મેસેજ જોવાનું જાણે કે વ્યસન થઇ જાય છે.

યુનિવર્સિટી ઓફ પિટસબર્ગની સ્કૂલ ઓફ મેડિસીનના અભ્યાસમાં જાણવા મળ્યા મુજબ સોશીઅલ મિડીયા ઉપર વધારે ટાઇમ ફાળવતા લોકો ઝડપથી ડીપ્રેશનનો શિકાર બની જાય છે. તેથી જરૂરી સંજોગોમાં જ મોબાઇલનો ઉપયોગ કરવો વધુ હિતાવહ બની રહે છે.સર્વેમાં બીજી ખાસ ધ્યાન દોરનારી બાબત એ છે કે વ્યકિતની પર્સનલ લાઇફ પબ્લીક લાઇફ બની જાય છે. જન્મ દિવસની ઉજવણીના ફોટાઓ, રેસ્ટોરન્ટ તથા જાહેર સ્થળો ઉપર સેલ્ફી, લગ્ન પ્રસંગ તથા વ્યકિતગત રોમાંચના ફોટાઓ ફેસબુક કે વ્હોટસએપ ઉપર મુકવા જેવી બાબતો પોતાનું અંગત જીવન જાહેર કરી દેવા સમાન છે. વ્યકિતગત આનંદ કે મોજ કે રોમાંચ સોશીઅલ મિડીયા ઉપર જાહેર કરવો જરૂર નથી. (ધકિવન્ટમાંથી સાભાર)

(8:11 pm IST)