Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

મહાકાલેશ્વર મંદિરમાં રાહુલે પૂજા કરી : પ્રચારની શરૂઆત

રાહુલ ગાંધી બે દિવસના પ્રવાસે માલવા પહોંચ્યા : માલવાની ૬૬ બેઠકો પૈકીની વધુને વધુ બેઠકો જીતવાની કોંગ્રેસની હિલચાલ : રોડ શો તેમજ રેલીઓની શરૂઆત

નવી દિલ્હી, તા. ૨૯ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં રાજકીયરીતે ખુબ મહત્વપૂર્ણ ગણાતા માલવા-નિમાર પ્રદેશની બે દિવસની યાત્રા શરૂ કરી હતી. ભગવાન શિવના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરીને રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની યાત્રા શરૂ કરી હતી. પ્રાચીન મંદિરમાં રાહુલ ગાંધીએ પૂજા કરી હતી. આ મંદિરને ૧૨ જ્યોર્તિંગ પૈકીના એક તરીકે પણ ગણવામાં આવે છે. રાહુલ ગાંધી આ મંદિરમાં બીજી વખત દર્શન માટે પહોંચ્યા હતા. ૨૦૧૦મં પણ રાહુલ ગાંધી મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ ખુબ સાદા વસ્ત્રોમાં મંદિરમાં પ્રવેશ્યા હતા. તેમની સાથે રાજ્યના પાર્ટી પ્રમુખ કમલનાથ અને પ્રચાર ચૂંટણી સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિંયા પણ રહ્યા હતા. મંદિરના પુજારીઓ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે ૪૮ વર્ષીય રાહુલ ગાંધીએ વિશેષ પૂજા કરી હતી. ગાંધીના દાદીમા અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, તેમના પિતા રાજીવ ગાંધી અને માતા સોનિય ાગાંધીએ પણ ક્રમશઃ ૧૯૭૯, ૧૯૮૭ અને ૨૦૦૮માં આ મંદિરમાં દર્શન કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા પંકજ ચતુર્વેદી દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી હતી. ગાંધીએ મહાકાલની પૂજા કરી હતી. આ પૂજા આશરે અડધો કલાક સુધી ચાલી હતી. કોંગ્રેસે ગયા વર્ષે જ કહ્યું હતું કે, ગાંધી શિવભક્ત છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં રાહુલ ગાંધીએ કૈલાશ માનસરોવરની યાત્રા શરૂ કરી હતી અને ભવવાન શિવના આશીર્વાદ લીધા હતા. ભાજપ પ્રમુખ અમિત શાહે ૧૪મી જુલાઈના દિવસે આ મંદિરમાં પૂજા કરી હતી. તેઓએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની જનઆશીર્વાદ યાત્રાને ત્યારબાદ લીલીઝંડી આપી હતી. મધ્યપ્રદેશમાં ૨૦૦૩થી કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી શકી નથી. ૨૮મી નવેમ્બરના દિવસે મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજનાર છે. બે દિવસના પ્રવાસ દરમિયાન   કોંગ્રેસ પ્રમખ માલવા-નિમારમાં પ્રચાર કરનાર છે. રાજકીય રીતે માલવા સૌથી મહત્વપૂર્ણ છે. અહીં વધુ બેઠક જીતનારની હંમેશા જીત થાય છે. ૨૩૦ વિધાનસભા પૈકી આ પ્રદેશમાં ૬૬ સીટો રહેલી છે. ૨૦૧૩માં છેલ્લી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે આ ક્ષેત્રમાં ૬૬ બેઠકો પૈકીની ૫૬ બેઠકોમાં જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસને માત્ર નવ બેઠકો મળી હતી.

એક સીટ અપક્ષને મળી હતી. તેમના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ઇન્દોરમાં રોડ શો કરશે. ઉપરાંત ઝાંબુઆ, ઇન્દોર, ધાર અને અન્ય વિસ્તારોમાં રેલીને સંબોધન કરનાર છે. રાહુલ ગાંધીના કાર્યક્રમોની પહેલાથી જ તૈયારી કરી લેવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો ભારે આશાવાદી દેખાઈ રહ્યા છે. આ વખતે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને દેખાવ સુધારવાની તક રહેલી છે. કારણ કે, શાસનવિરોધી પરિબળ જોરદારરીતે દેખાઈ રહ્યંુ છે.

(7:49 pm IST)