Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

અેક પગમાં તકલીફ હોવા છતાં ૩ કિ.મી. ચાલીને રેલ્વે અધિકારીને માહિતી આપતા અનેક લોકોના જીવ બચી ગયા

ઉડુપી: રોજનું કમાઈને ખાતા એક મજૂરે બતાવેલી જોરદાર હિંમતને કારણે એક મોટો રેલ અકસ્માત થતા રહી ગયો છે. એક પગમાં તકલીફ હોવા છતાં શખ્સ ત્રણ કિલોમીટર સુધી ચાલીને રેલવેના અધિકારીઓ સુધી પહોંચ્યો હતો, અને તેમને એક એવી ઘટના વિશે માહિતી આપી હતી કે તે સાંભળીને તેમના પણ હોશ ઉડી ગયા હતા.

53 વર્ષની ઉંમરે બતાવી હિંમત

ક્રિષ્ના પૂજારી નામના 53 વર્ષના શખ્સના પગમાં તકલીફ થતાં ડૉક્ટરે તેને ચાલવાનું કહ્યું હતું. ડૉક્ટરની સલાહ માની તે રોજ પોતાના ઘર પાસે આવેલા રેલવે ટ્રેક નજીક ચાલવા જતો હતો. જોકે, શનિવારે તે ચાલી રહ્યો હતો ત્યારે તેની નજર રેલવે ટ્રેક પર પડી, અને તેણે જે જોયું તે જોઈ તે ચોંકી ગયો.

એક ટ્રેન પસાર થઈ અને ક્રેક પહોળી થઈ ગઈ

ક્રિશ્નાએ જોયું કે રેલવે ટ્રેક પર તીરાડ પડી હતી. તીરાડને જોઈને શું કરવું તે વિચારે તેટલામાં તો એક ટ્રેન પૂરપાટ ઝડપે તેના પરથી પસાર થઈ ગઈ. ક્રિશ્નાએ જોયું કે ટ્રેનના પસાર થવાથી ક્રેક વધુ પહોળી થઈ ગઈ. બીજી ટ્રેન પસાર થશે ત્યારે શું થશે તે વિચારથી ક્રિશ્ના ફફડી ગયો. પગે ચલાતું હોવા છતાં તેણે બની શકે એટલી ઝડપથી નજીકના રેલવે સ્ટેશન કે ક્રોસિંગ સુધી પહોંચવાનું નક્કી કર્યું.

લંગડાતા-લંગડાતા ત્રણ કિમી દોડ્યો

લંગડાતો ક્રિશ્ના પોતાની પીડાને અવગણીને ત્રણ કિલોમીટર સુધી દોડ્યો, અને તેણે રેલવેના અધિકારીઓને ટ્રેક પર પડેલી ક્રેક અંગે માહિતી આપી. અધિકારીઓએ તરત તે ટ્રેક પરથી પસાર થનારી બે ટ્રેનોને નજીકના રેલવે સ્ટેશને થોભાવી દીધી, અને ક્રિશ્ના સાથે તેઓ જે જગ્યાએ ક્રેક પડી હતી ત્યાં જવા રવાના થઈ ગયા.

થોડું મોડું થયું હોત તો મોટી દુર્ઘટના થઈ જાત

તાત્કાલિક ક્રેક પડી હતી તે ટ્રેકની મરામત કરવામાં આવી, અને રેલવે વ્યવહારને ફરી શરુ કરવામાં આવ્યો. વહેલી સવારની ઘટનામાં જો ક્રિશ્ના હિંમત દાખવી રેલવેના અધિકારીઓ સુધી પહોંચ્યો હોત તો કોઈક મોટી દુર્ઘટના ચોક્કસ બની હોત, કારણકે ટ્રેક પરથી ટૂંક સમયમાં બે પેસેન્જર ટ્રેન પસાર થવાની હતી. ક્રિશ્નાએ દાખવેલી હિંમતની રેલવેના અધિકારીઓ પણ પ્રશંસા કરી રહ્યા છે.

(5:26 pm IST)