Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

કટ્ટરપંથી મુલ્લાઓ અને કોંગ્રેસનાં કારણે રામમંદિરનો મુદ્દો કોર્ટમાં: શિયા વકફ બોર્ડ (સોમવાર)થી સુપ્રિમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે. જો કે, કોર્ટ બહાર, આ મુદ્દે નિવેદનબાજી શરૂ થઇ છે

જે ભગવાન દુનિયામાં માણસોની કિસ્મતનો નિર્ણય કરે છે એ જ ભગવાન પોતાના ઘરનાં નિર્ણય માટે માણસોએ બનાવેલી કોર્ટનાં નિર્ણયની રાહ જુએ છે: સમગ્ર દુનિયમાં માનવજાત માટે શરમની વાત છે

નવી દિલ્હી, તા.૨૯: શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું કે, કટ્ટરપંથી મુલ્લાઓ અને કોંગ્રેસના કારણે અયોધ્યા રામજન્મભૂમિ મામલો કોર્ટમાં ફસાયો છે.

વસીમ રિઝવીએ કહ્યું કે, જે ભગવાન દુનિયામાં માણસોની કિસ્મતનો નિર્ણય કરે છે એ જ ભગવાન પોતાના ઘરનાં નિર્ણય માટે માણસોએ બનાવેલી કોર્ટનાં નિર્ણયની રાહ જુએ છે. સમગ્ર દુનિયમાં માનવજાત માટે શરમની વાત છે.

આ તરફ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનાં સભ્ય ખાલિદ રશીદ ફરંગી મહલીએ કહ્યું કે, દરેક ભારતીય એવું ઇચ્છે છે કે, આ મામલો કોર્ટ દ્વારા હલ થાય. દેશનાં સૌથી મોટા પ્રશ્નનો હલ થાય એ જરૂરી છે. સુપ્રિમ કોર્ટ તમામ પક્ષકારોને સાંભળીને તેમને ચુકાદો સંભળાવશે. કોર્ટ જે પણ ચુકાદો આપશે તેને તમામ દેશવાસીઓ માથે ચડાવશે. કેટલાક લોકો કોર્ટનાં ચુકાદાને ન માનવાની વાત કરે છે અને સુપ્રિમ કોર્ટના મહત્વને ઓછુ કરે છે.  જે સુનાવણીની શરૂઆત થઇ છે તે જોતા લાગે છે કે, આ મામલોનો હલ ટૂંક સમયમાં આવશે.

આ કેસમાં મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અંસારીએ કહ્યું કે, જે નિર્ણય થાય તે ઝડપથી થવો જોઇએ. ૭૦ વર્ષથી આ વિવાદ ચાલે છે. આ મુદ્દે રાજકારણીઓ તેમના રોટલા શેકી રહ્યા છે. અમે સાબિતી માટે પુરાવા આપ્યા છે. પુરાવાના આધારે ચુકાદો આવશે.

અંસારીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનાં લોકો જયારે ચૂંટણી આવે ત્યારે અયોધ્યા મુદ્દે કાયદો બનાવવાની વાત કરે છે. અયોધ્યાના વિકાસની કોઇ વાત કરતું નથી. ૭૦ વર્ષથી અયોધ્યાનો કોઇ વિકાસ થયો નથી.(૨૩.૧૨)

(3:48 pm IST)