Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

અયોધ્યા કેસઃ સુપ્રીમ કોર્ટમાં જાન્યુઆરી સુધી ટળી સુનાવણી

૩ મિનિટની કાર્યવાહી ૩ મહિના માટે મોકુફ રખાઇ : ૨૦૧૦માં ઇલાહાબાદ હાઇકોર્ટ આપેલા ચુકાદા વિરૂધ્ધ કરવામાં આવી હતી અરજી

નવીદિલ્હી, તા.૨૯: અયોધ્યા વિવાદને લઈને મહત્વપૂર્ણ કેસની સુપ્રીમ કોર્ટમાં આજે વધુ એક વાર સુનાવણી ટળી છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ૩ મહિના સુધી સુનાવણી ટાળી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષાતાવાળી બેંચે આ મામલે આગામી સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯ સુધી મૌકુફ રાખી છે. આ સુનાવણી માત્ર ૩ જ મીનીટ ચાલી હતી.

આ કેસ માટે જજોની નવી બેંચ નિમવામાં આવી હતી. અગાઉ આ કેસની સુનાવણી તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિશ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની બેંચ કરી રહી હતી. દીપક મિશ્રા દેશના મુખ્ય ન્યાયાધિશ તરીકે નિવૃત્ત્। થતા તેમના સ્થાને જસ્ટિસ રંજન ગોગોઈ દેશના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. તેમણે આ કેસની નવી બેચ રચી હતી. જેમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એ એમ જોશેફનો સમાવેશ થાય છે.

અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદને કેસને લઈને દેશભરમાં ભારે ઉત્સુકતા છે. આજે વિવાદીત કેસની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦માં ઈલાહાબાદ હાઈકોર્ટે આપેલા મુખ્ય જમીનવિવાદ સુકાદાની જ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, આ કેસ તત્કાળ સુનાવણી અંતર્ગત ના સંભળાવી શકાય.

આ અગાઉ ઇસ્લામમાં નમાઝ અદા કરવા માટે મસ્જિદ જરૂરી છે કે નહીં તેનો મામલો બંધારણીય બેન્ચને સોંપવામાં આવે કે નહીં તેના પર અદાલત દ્વારા વિચારણા કરાઈ હતી. મુસ્લિમ પક્ષકારોએ દલીલ કરી હતી કે, ૧૯૯૪માં ઇસ્માઇલ ફારૂકી કેસમાં સુપ્રીમે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, મસ્જિદમાં જ નમાઝ અદા કરવી એ ઇસ્લામમાં બાધ્ય નથી, તેથી સુપ્રીમના આ ચુકાદાની બંધારણીય બેન્ચ દ્વારા પુનઃ સમીક્ષા કરવામાં આવે. ૨૭ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, આ મામલાને બંધારણીય બેન્ચને સોંપાશે નહીં.

૩ જજની બેન્ચે બહુમતી ચુકાદામાં જણાવ્યું હતું કે, આ કેસનું ધાર્મિક આધારે નહીં પરંતુ પુરાવાના આધારે પરીક્ષણ કરાશે. રામલલા વિરાજમાન તરફથી કેસ લડી રહેલા એડવોકેટ વિષ્ણુ જૈને જણાવ્યું હતું કે, હવે સોમવારે જ નક્કી થશે કે કેસની સુનાવણીની રૂપરેખા શું રહેશે.

(3:28 pm IST)