Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ચાર વિદ્યાર્થીને 'અકુદરતી સંબંધ' બાંધવાની પાડી ફરજ : વીડિયો બનાવી કર્યો વાયરલ

આરોપીઓએ ચારેય વિદ્યાર્થીઓને ઢોર માર મારીને એકબીજા સાથે કુદરતી સંબંધ બાંધવાની ફરજ

પટણા તા. ૨૯ : બિહારના બગુસરાય જિલ્લામાં ચાર વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરીને તેમને સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય(અકુદરતી સેકસ) કરવાની ફરજ પાડવાના ગુનામાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બિહાર પોલીસે રવિવારે આ માહિતી આપી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવતી કુશવાહા હોસ્ટેલના વિદ્યાર્થીઓનું બુધવારે કાલી અસ્થાન ચોક ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું.

આ વિદ્યાર્થીઓને બગુસરાય ડિવિઝનલ જેલની પાછળ લઈ જવામાં આવ્યા હતા જયાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. બાદમાં તેમને લૂંટી લેવામાં આવ્યા હતા અને એકબીજા સાથે અકુદરતી સેકસ કરવાની ફરજ પાડવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ વિદ્યાર્થીઓના અંગૂઠા પર ફાયરિંગ પણ કર્યું હતું. ભોગ બનનારા તમામ વિદ્યાર્થીઓની ઉંમર ૧૮થી ૨૧ વર્ષની છે. આરોપીઓએ તેમને દારૂ પીવાની પણ ફરજ પાડી હતી. આરોપીઓએ આખો દિવસ વિદ્યાર્થીઓ પર આવો અત્યાચાર ગુજાર્યો હતો.

વિદ્યાર્થીઓએ આરોપીઓમાંથી એક યુવકના વોટર પ્લાન્ટમાંથી પાણી ખરીદવાનો ઇન્કાર કર્યો હોવાથી તેમની સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બાદમાં આરોપીઓએ વિદ્યાર્થીઓનો એક વીડિયો બનાવ્યો હતો તેમજ એવી ધમકી આપી હતી કે જો આ અંગે ફરિયાદ કરશે તો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે.

જોકે, કોઈ પણ રીતે શનિવારે આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. બાદમાં પોલીસે અમુક લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવનારા લોકોમાં ગોલુ કુમાર, અજય કુમાર, વિનોદ કુમાર, રાજા કુમાર, રોહિત કુમાર, ગણેશ કુમાર અને રાહુલ કુમારનો સમાવેશ થાય છે.

ગોલુ કુમારની ગુરવારે જ ધરપકડ કરવામાં આવી હતી. ગોલુ કુમાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધરાવે છે. બાકીના છ લોકોની શનિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.(૨૧.૮)

(11:35 am IST)