Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ખુશખબર! ટ્રેનમાં ખાવા - પીવાની ચીજો મળશે સસ્તી : દિવાળી પહેલા આવી શકે છે નિર્ણય

ટ્રેન તથા રેલવે સ્ટેશન પર સામાન ખરીદવા હવે આપે રોકડ લઇને નહીં ફરવું પડે : ટૂંક સમયમાં તમામ સ્ટેશનો અને ટ્રેનમાં ક્રેડિટ તથા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકાશે

નવી દિલ્હી તા. ૨૯ : ટ્રેન તથા રેલવે સ્ટેશન પર સામાન ખરીદવા હવે આપે રોકડ લઈને નહીં ફરવું પડે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટૂંક સમયમાં તમામ સ્ટેશનો અને ટ્રેનમાં ક્રેડિટ તથા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકાશે.

રેલવે વિક્રેતાઓને પી.ઓ.એસ.(પોઈન્ટ ઓફ સેલ) હેન્ડ હેલ્ડ મશીન આપવાની તૈયારી કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ પ્રોજેકટ ૧ નવેમ્બરથી શતાબ્દી, દુરંતો અને રાજધાની જેવી ટ્રેનોથી શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય વિક્રેતા હોય કે રેલવે વિક્રેતા, મુસાફરોની ફરિયાદ હંમેશા રહી છે કે તેમની પાસેથી વધુ પૈસા લેવામાં આવે છે. પાણીની બોટલથી લઈને ચા સુધી વધુ પૈસા વસુલવામાં આવે છે. હવે મુસાફરોને આ ઝંઝટમાંથી મુકતી મળશે. મુસાફરો પી.ઓ.એસની મદદથી સીધા રેલવે ખાતામાં પૈસા જમા કરાવી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દુરંતો, શતાબ્દી અને રાજધાની જેવી ટ્રેનમાં મુસાફરો પાસેથી ખાનપાનનો ચાર્જ ટિકિટ સાથે વસુલવામાં આવે છે. આ સિવાય ટ્રેનમાં મુસાફરોને પાણીની બોટલ, ચા તથા નાસ્તા જેવી વસ્તુ ખરીદવા માટે પણ પૈસા વેન્ડરને કેશમાં આપવા પડે છે. આમાં વેન્ડરો દ્વારા વધુ ચાર્જ લેવાની ફરિયાદો આવે છે. આમાંથી બચવા માટે રેલવે વેન્ડરોને પી.ઓ.એસ મશીન આપશે, જેમાં આપ ખાવાની એજ કિંમત ચુકવશો જે વાસ્તવિકતામાં છે.

ટ્રેનમાં આઈ.આર.સી.ટી.સી અને પેન્ટ્રીકર સાથે ગેરકાયદે વિક્રેતા પણ સામાન વેચે છે. તેમના કારણે ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોને ખર્ચાળ ભોજન મળે છે. પી.ઓ.એસ આવ્યા પછી મુસાફરો આ વેન્ડરોની ઓળખ કરી શકશે અને યોગ્ય દર પર ભોજન મેળવી શકશે. પરંતુ કનેકિટવિટી સંપૂર્ણ ન હોવાથી આવી શકે છે મુશ્કેલીઓ- પીઓએસના ઉપયોગ માટે ટ્રેન GPS અથવા WiFiનોઉપયોગ કરશે નહીં. પીઓએસમાં કનેકિટવિટી માટે રેલવે મોબાઇલ સિમનો ઉપયોગ કરશે. આનાથી મુસાફરોને ખોરાક આપવાની મુશ્કેલી થશે નહીં.(૨૧.૯)

(11:35 am IST)