Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

૩૧મીથી એસબીઆઈના એટીએમમાંથી રોજ રૂા. ૨૦ હજાર જ ઉપાડી શકાશે

દિવાળી ટાણે જ નવા નિયમના અમલથી ખાતેદારોને ભારે મુશ્‍કેલીઃ કલાસિક અને મેઈસ્‍ટ્રો ડેબિટકાર્ડની ઉપાડ મર્યાદા ઘટી

મુંબઈ, તા. ૨૯ :. દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બીજી તરફ સરકારી અને ખાનગી કંપનીઓના નોકરીયાતોને પગાર હવે થઈ રહ્યો છે. બીજી તરફ ઘણી કંપનીઓમાં બોનસનું વિતરણ પણ શરૂ થયું છે. આ સમયે જ દેશની સૌથી મોટી રાષ્‍ટ્રીયકૃત બેંક સ્‍ટેટ બેંક દ્વારા ૩૧મી ઓકટોબરથી અમલમાં આવે તે રીતે એટીએમમાંથી ડેબીટકાર્ડ દ્વારા ઉપાડની રોજની મર્યાદા રૂા. ૪૦ હજારથી ઘટાડીને રૂા. ૨૦ હજાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. દિવાળીના તહેવારો વખતે જ એટીએમમાંથી રોકડ ઉપાડ વધતો હોય તે વખતે જ આ નિયમનો અમલ કરવામાં આવનાર હોવાથી દેશના એસબીઆઈના ૨૬ કરોડ ઉપરાંત સક્રિય ખાતેદારોને મુશ્‍કેલી પડશે તેમ જણાવાય છે.

સ્‍ટેટ બેંકના કલાસિક અને મેઈસ્‍ટ્રો ડેબીટકાર્ડની આ ઉપાડ મર્યાદા ઘટાડવામાં આવી છે. જે ખાતેદારાનો હવે રોજના રૂા. ૨૦ હજારથી વધુ રોકડની જરૂર પડતી હોય તેમને અન્‍ય ડેબીટ કાર્ડ માટે અરજી કરવાની રહેશે તેમ પણ સૂત્રોએ જણાવ્‍યુ હતુ. આ અન્‍ય ડેબીટ કાર્ડમાં ગોલ્‍ડ અને પ્‍લેટિનમ માટે અરજી કરવાની રહેશે.

એટીએમમાં પણ રોકડ ખૂટી પડશે

સામાન્‍યતઃ દિવાળીની રજામાં પ્રતિ વર્ષ એટીએમમાં રોકડ ખૂટી પડતી હોય છે. જેને લઈને ખાતેદારો-એટીએમ કાર્ડ ધારકોએ રઝળવું પડતુ હોય છે. આ વખતે તહેવારોમાં ચાર રજા આવી રહી છે. આ સંજોગોમાં કેશ ઉપાડનો પ્રશ્ને ઉપસ્‍થિત થશે. લોકો પણ રોકડ ઉપાડ માટે એટીએમ પર નિર્ભર રહેશે.

એસબીઆઈના ગોલ્‍ડ-પ્‍લેટિનમ કાર્ડની મર્યાદા યથાવત

એસબીઆઈના ગોલ્‍ડ અને પ્‍લેટિનમ ડેબીટ કાર્ડની ઉપાડ મર્યાદા યથાવત રાખવામાં આવી છે. ગોલ્‍ડ કાર્ડની મર્યાદા રોજની રૂા. ૫૦ હજાર અને પ્‍લેટિનમ કાર્ડની રોજની ઉપાડ મર્યાદા રૂા. ૧ લાખની છે.

દિવાળી વખતે બેંકોમાં રોકડની ખેંચ વર્તાશે

આ વખતે દિવાળીની રજા તા. ૭મી અને નવા વર્ષની રજા તા. ૮મી નવેમ્‍બરે આવી રહી છે. જ્‍યારે તા. ૯મીએ ભાઈબીજે બેંક ચાલુ રહેશે. ત્‍યાર બાદ ૧૦મીને શનિવારે બીજો શનિવારની અને તા. ૧૧મીના રોજ રવિવારની રજા રહેશે. જો બેંક કર્મીઓ તા. ૯ની રજા મુકે તો તેમને મિની વેકેશનનો લાભ મળી શકશે. બીજી તરફ ચાર દિવસની રજા તહેવારોમાં આવતી હોય એટીએમમાં રોકડ ખુટી પડશે તેવી સ્‍થિતિ સર્જાશે.

એટીએમ કાર્ડના ક્‍લોનિંગ સાથે છેતરપીંડીઓ વધતા પગલા

સ્‍ટેટ બેન્‍કના સૂત્રો જણાવ્‍યું છે કે, દેશમાં માર્ચ ૨૦૧૮ના રોજ ૨૬ કરોડ જેટલા કાર્ડ એકટીવ હતા. એટીએમના કાર્ડ કલોનિંગ દ્વારા દેશમાં છેતરપીંડીઓ વધી રહી છે. સાયબર છેતરપીંડીઓ અટકાવવા માટે સ્‍ટેટ બેંકે હવે ઉપાડ મર્યાદા ઘટાડી છે.

તો ચેક રિટર્નના સંજોગો ઉભા થશે

બુધવાર, ગુરૂવાર તથા શનિવાર અને રવિવારના રોજ રોકડ ઉપાડ તથા અન્‍ય બેંકીંગ કામગીરી કરી શકાશે નહિં. જો કે દિવાળી અને નવા વર્ષના દિવસે વેસ્‍ટર્ન રિજિયનમાં મહારાષ્‍ટ્ર ખાતે એનપીસીઆઈની કામગીરી ચાલુ હોય. શહેરની બેંકોમાં પણ કિલયરીંગ પાર પાડવાની કામગીરી ચાલુ રહેશે. જાણકારો પ્રમાણે, આ દિવસો દરમિયાન ૬ નવેમ્‍બરને મંગળવાર સુધી ખાતામાં જમા ચેકની રકમ ખાતામાં જમા પડશે. પરંતુ તેના ઉપાડ માટે શુક્રવાર સુધી રાહ જોવી પડશે. ઉપરાંત ચેક ઈશ્‍યુ કરનારાઓએ ખાતામાં બેલેન્‍સ રાખવી પડશે. નહિ તો, ચેક રીટર્નના સંજોગો ઉભા થશે.

(11:25 am IST)