Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

હિંડન એરબેઝ ઉપર પઠાનકોટ જેવા હૂમલાનું ષડયંત્ર

ISI ના જાસુસનો સનસનીખેજ ખુલાસો

મેરઠ તા. ર૯ :.. હિંડન એરબેઝ પર  પઠાણકોટ જેવા હુમલાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે. આઇએસઆઇ માટે જાસુસીના આરોપ ગીરફતાર થયેલ જાહીદની પુછપરછમાં આ માહિતી મળી છે. ગુપ્તચર અને સુરક્ષા એજન્સીના અધિકારીઓએ રવિવારે પણ જાહીદની પુછપરછ કરી હતી. તેણે જણાવ્યું કે હિંડન અને મેરઠ આઇએસઆઇના નિશાન પર છે.

ગુપ્તચર એજન્સીઓની સુચનાથી બુલંદ શહેર પોલીસે જાહીદને ખુર્જામાંથી ગીરફતાર કર્યો હતો. પોલીસ સુત્રોનું માનીએ તો જાહીદે પુછપરછમાં જણાવ્યું છે કે એરફોર્સનું હિંડન એરબેઝ આઇએસઆઇના નિશાન પર છે. તેણે હિંડન એરબેઝના નકશા સહિતના કેટલીય ગુપ્ત જાણકારીઓ આઇએસઆઇને મોકલી છે. આ કામ માટે તેને લગભગ બે લાખ રૂપિયા મળ્યા હતાં. એરબેઝ આઇએસઆઇના નિશાન પર હોવાનું જાણવા મળતાં જ એરફોર્સ અધિકારીઓ અને દિલ્હીના અધિકારીઓને સુચના આપીને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

કેટલીય ગુપ્તચર એજન્સીઓ જાહીદની સતત પૂછપરછ કરી રહી છે. નોઇડા અને મેરઠ એટીએસના અધિકારીઓ પણ જાહીદ પાસેથી માહિતી મેળવી રહ્યા છે. જાહીદનું મેરઠ કનેકશન પણ બહાર આવ્યું છે. તેણે જણાવ્યું કે મેરઠ કેંટની પણ રેકી થઇ ચુકી છે. એટલે તપાસ થઇ રહી છે કે ગાઝીયાબાદ અને મેરઠમાં જાહીદના કોણ મદદગાર છે કેટલાંક નામો પણ બહાર આવ્યા છે. જેમને જાહીદે રૂપિયા આપ્યા હતાં.

ર જાન્યુઆરી ર૦૧૬ ની સવારે સાડા ત્રણ વાગે હથીયારોથી સજ્જ આતંકવાદીઓ પઠાણકોટ એરબેઝમાં ઘુસ્યા હતાં. તેમણે કરેલા અંધાધુંધ ફાયરીંગમાં સાત જવાનો શહીદ થયા હતાં.  જો કે સુરક્ષા દળોએ એરબેઝમાં ઘુસેલા બધા આતંકવાદીઓનો ખાતમો બોલાવી દીધો હતો. (પ-૯)

(12:59 pm IST)