Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ડખ્ખાડુખ્ખીની મોસમઃ હવે સરકાર-ઉર્જિત પટેલ વચ્ચે ઉગ્ર મતભેદોનો ખુલાસો

ચાલુ વર્ષે જ સરકાર અને રીઝર્વ બેન્ક વચ્ચે અડધો ડઝન મુદ્દે મતભેદોઃ સરકાર અને રીઝર્વ બેન્ક વચ્ચે સંવાદહીનતાની સ્થિતિ ઉભી થઈઃ વ્યાજદરોમાં ઘટાડો નહીં કરાતા સરકાર નારાજઃ રીઝર્વ બેન્ક માને છે તેના અધિકાર ક્ષેત્રમાં આ બાબત છેઃ ઉર્જિત પટેલના ભાવિ અંગે સર્જાયા પ્રશ્નાર્થ

નવી દિલ્હી, તા. ૨૯ :. ટોચની સંસ્થાઓ અને એજન્સીઓમાં ડખ્ખાડુખ્ખીની મૌસમ ખીલી હોય તેવું લાગે છે. હવે કેન્દ્ર સરકાર અને રીઝર્વ બેન્ક વચ્ચે ઉગ્ર મતભેદો હોવાનું બહાર આવ્યુ છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગવર્નર ઉર્જિત પટેલ અને સરકાર વચ્ચે નીતિગત મુદ્દાઓ અંગે ઉગ્ર મતભેદો હોવાનું બહાર આવ્યુ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના એક અહેવાલ મુજબ આ વર્ષની શરૂઆતના મહિનાઓમાં જ સરકાર અને રીઝર્વ બેન્ક વચ્ચેનું અંતર વધ્યુ છે. એટલુ જ નહીં સરકાર અને રીઝર્વ બેન્ક વચ્ચે સંવાદહિનતાની સ્થિતિ બનતી જઈ રહી છે. અત્રે નોંધનીય છે કે હજુ પરમ દિવસે જ આરબીઆઈના ડે. ગવર્નર વિરલ આચાર્યએ સરકારના હસ્તક્ષેપ અંગે ચિંતા વ્યકત કરી રીઝર્વ બેન્કને સ્વાયતત્તા આપવા માંગણી કરી હતી.કહેવાય છે કે, વર્તમાન પરિસ્થિતિની અસર ઉર્જિત પટેલના ભવિષ્ય પર પણ પડશે. અહેવાલ અનુસાર આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ઉર્જિત પટેલના ૩ વર્ષની મુદત પુરી થાય છે. તેમને એક્ષટેન્શન મળવાની વાત તો દૂર તેમના બાકીના કાર્યકાળ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.  રીપોર્ટ અનુસાર ફકત ૨૦૧૮માં જ ઓછામાં ઓછા અડધો ડઝન નીતિગત મામલાઓ પર મતભેદો સામે આવ્યા છે. સરકારની નારાજગી વ્યાજદરોમાં ઘટાડો નહી કરવાને લઈને પણ રહી છે. રીપોર્ટ અનુસાર નિરવ મોદીની છેતરપીંડી સામે આવ્યા બાદ પણ સરકાર અને રીઝર્વ બેન્ક વચ્ચે મતભેદોની સ્થિતિ ઉભી થઈ હતી. ઉર્જિત પટેલ ઈચ્છતા હતા કે સરકારી બેન્કો ઉપર નજર રાખવા માટે રીઝર્વ બેન્ક પાસે વધુ પાવર હોવા જોઈએ.

સરકારની અંદર જ કેટલાક લોકોનું આ મામલે કહેવુ છે કે રઘુરામ રાજન ઉર્જિત પટેલ કરતા સારા હતા. આ વર્ષે જ અડધો ડઝન જેટલા મામલા સામે આવ્યા છે જેમાં કેન્દ્ર અને ગવર્નરનું સ્ટેન્ડ એકબીજાથી અલગ રહ્યું હોય. આ ડખ્ખાની શરૂઆત ત્યારે થઈ કે જ્યારે રીઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાને બદલે તેમા વધારો કરવામાં આવ્યો. આનાથી સરકાર નારાજ થઈ ગઈ હતી. આ બન્ને વચ્ચે ટેન્શનની શરૂઆત આ મુદ્દાથી થઈ હતી. રીઝર્વ બેન્કનું માનવુ છે કે આ મામલો તેના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

(11:03 am IST)