Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

જમ્મુ-કાશ્મીરમાં સીઆઇડી વિભાગમાં કાર્યરત સબ-ઇન્સપેકટરની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી

દેખાવ બદલવાથી આતંકીઓ તેને ઓળખી નહીં શકે : પણ આતંકવાદીઓએ તેને ઓળખીને મારી નાખ્યો

શ્રીનગર તા. ૨૯ : જમ્મૂ-કાશ્મીર પોલીસના સબ-ઈંસ્પેકટર ઈમ્તિયાઝ અલી અહમદ મીરના મનમાં તેના માતા-પિતાને જોવાની એટલી પ્રબળ ઈચ્છા હતી કે તેણે આતંકવાદીઓથી બચવા માટે પોતાની દાઢી પણ કઢાવી નાખી. પણ, રવિવારે જયારે આ ૩૦ વર્ષીય અહમદ મીર તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે પુલવામાના વહીબાગ વિસ્તારમાં આતંકવાદીઓએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી છે.

અહમદ મીર જમ્મૂ-કાશ્મીરના સીઆઈડી વિભાગમાં કાર્ય કરતો હતો. માત્ર આટલું જ નહીં મીરના મૃત્યુ બાદ જયારે તેના શબને તેના ગામમાં લાવવામાં આવ્યું તો પત્થરબાજોએ ત્યાં પણ હુમલો કર્યો. છેલ્લા ઘણા સમયથી ઘાટીમાં પોલીસકર્મીઓ આતંકવાદીઓના નિશાના પર છે. અને તેઓને ધમકી મળ્યા બાદ ઘણાં પોલીસવાળાઓના રાજીનામાના સોશિયલ મીડિયા પર સંદેશાઓ ફરી રહ્યા છે.

સાથીઓએ જણાવ્યું કે અહમદ મીરને તેના ગામડે નહીં જવાની ધમકીઓ આપવામાં આવી હતી. પણ, તે તેના માતા-પિતાને મળવા માગતો હતો તેથી પોતાનો દેખાવ બદલીને ગામડે જવાનો નિર્ણય કર્યો. અહમદ મીરને લાગ્યું કે દેખાવ બદલવાથી આતંકીઓ તેને ઓળખી નહીં શકે, પણ આતંકવાદીઓએ તેને ઓળખીને મારી નાખ્યો. હવે પોલીસે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

અહમદ મીર એક રિટાયર્ડ પોલીસ ઓફિસરનો પુત્ર હતો અને તે વર્ષ ૨૦૧૦ની બેચનો એસઆઈ હતો. તે પાંચ વર્ષ સુધી દક્ષિણ કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં ફરજ બજાવતો હતો. તેના સીનિયર ઓફિસર તેને એક સમર્પિત ઓફિસરના રૂપમાં યાદ કરે છે. અત્યારે પોલીસ તે અંગે તપાસ કરી રહી છે કે આખરે આતંકવાદીઓ સુધી આ ખબર કેવી રીતે પહોંચી કે અહમદ મીર તેના ઘરે જઈ રહ્યો છે.(૨૧.૪)

(9:47 am IST)