Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

શ્રીલંકા સંકટ : વિક્રમસિંઘેની સુરક્ષા તેમજ સુવિધા યથાવત

પૂર્વ પેટ્રોલિયમ મંત્રીના ગાર્ડ દ્વારા ગોળીબાર : ત્રણ દિવસ પહેલા શ્રીલંકાના પ્રમુખે વિક્રમસિંઘેને હોદ્દા ઉપરથી દૂર કરીને મહિન્દા રાજપક્ષેની નિમણૂંક કરી હતી

કોલંબો, તા. ૨૮ : શ્રીલંકામાં ચાલી રહેલી રાજકીય કટોકટી આજે વધુ ગંભીર બની ગઈ હતી. કારણ કે, સ્પીકરે રાનીલ વિક્રમસિંઘેને વડાપ્રધાન તરીકે મળનાર સુવિધા  અકબંધ રાખવાને મંજુરી આપી હતી. વિક્રમસિંઘેને બંધારણ મુજબ લોકશાહીરીતે ચૂંટાયેલા વડાપ્રધાન જાહેર કર્યા હતા. ત્રણ દિવસ પહેલા જ શ્રીલંકાના પ્રમુખે વિક્રમસિંઘેને હોદ્દા પરથી દૂર કરી દીધા હતા અને તેમની જગ્યાએ મહિન્દા રાજપક્ષેને વડાપ્રધાન તરીકે જાહેર કર્યા હતા. સ્પીકર રાજુ જયસુર્યાએ વિક્રમસિંઘેની સુરક્ષા અને વડાપ્રધાન તરીકે મળનારી સુવિધાઓને જાળવી રાખવાની અપીલને સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું છે કે, જ્યાં સુધી સંસદમાં કોઇ અન્ય ઉમેદવાર બહુમતિ સાબિત કરતા નથી ત્યાં સુધી સંસદમાં આ પ્રક્રિયા જારી રહેશે અને વિક્રમસિંઘેને વડાપ્રધાન તરીકે મળનાર સુવિધા જારી રહેશે. જયસુર્યાએ પ્રમુખ સિરીસેનાને પત્ર લખીને કહ્યું છે કે, વિક્રમસિંઘેની અપીલનો તેઓ સ્વીકાર કરે છે અને આને લોકશાહી તરીકાથી યોગ્ય ગણે છે. સિરીસેનાએ વિક્રમસિંઘેને શુક્રવારે હોદ્દા પરથી દૂર કર્યા હતા. શ્રીલંકામાં ચાલી રહેલા રાજકીય ઘમસાણ વચ્ચે ભારત સહિતના જુદા જુદા દેશોની નજર કેન્દ્રિત થયેલી છે.  બીજી બાજુ ભારતે શ્રીલંકામાં ચાલી રહેલી રાજકીય ઘટનાઓ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અમે એવી આશા રાખી રહ્યા છે કે, શ્રીલંકામાં બંધારણીય મૂલ્યોને જાળવી રાખવામાં આવશે અને કટોકટીને વહેલીતકે દૂર કરી દેવામાં આવશે. શ્રીલંકામાં છેલ્લા ચાર દિવસથી અભૂતપૂર્વ રાજકીય ઘટનાક્રમનો દોર ચાલી રહ્યો છે. જેના કારણે તંત્ર પણ ચિંતાતુર છે. સાથે સાથે તમામ પડોશી દેશોની નજર તેના ઉપર રહેલી છે જેમાં નેપાળ, ભારત, ભૂટાન અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. રાજપક્ષેને વડાપ્રધાન તરીકે પ્રમુખે નિમી દીધા બાદ તેની વ્યાપક ચર્ચા જોવા મળી હતી. હવે સ્પીકરે વિક્રમસિંઘેની સુરક્ષા અને સુવિધા અકબંધ રાખી છે. બીજી બાજુ શ્રીલંકામાં રાજકીય સંકટ વચ્ચે આજે એક હાઈપ્રોફાઇલ હિંસક ઘટના સપાટી ઉપર આવી હતી. વિક્રમસિંઘેને દૂર કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત કોઇ મોટી હિંસક ઘટના બની છે. પૂર્વ પેટ્રોલિયમ મંત્રી અર્જુન રણતુંગાના એક સુરક્ષા ગાર્ડે ભીડ ઉપર ગોળીબાર કર્યો હતો જેમાં એકનું મોત થઇ ગયું છે.

(12:00 am IST)