Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સબરીમાલા : ૩૩૪૫થી વધુ દેખાવકારોની ધરપકડ કરાઈ

જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ૫૧૭ કેસો નોંધાયા : સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇ સુપ્રીમ કોર્ટના આદેશની શ્રદ્ધાળુઓમાં નારાજગીનું મોજુ અકબંધ

કોલ્લમ, તા. ૨૮ : સબરીમાલા મંદિરમાં પ્રવેશને લઇને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા બાદથી પોલીસને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. વ્યાપક વિરોધ પ્રદર્શનનો દોર અવિરતપણે જારી રહ્યો છે. કેરળ પોલીસને મુશ્કેલી હોવા છતાં શ્રદ્ધાળુઓ સાથે પણ હળવું વલણ અપનાવવાની ફરજ પડી રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાથી મહિલાઓને રોકનાર ૩૩૪૫થી વધુ દેખાવકારોની ૨૬મી ઓક્ટોબર બાદથી ધરપકડ કરવામાં આવી છે. કેરળમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ૫૧૭ કેસો નોંધાઈ ચુક્યા છે. આજે સવારે સબરીમાલામાં કેટલાક સભ્યોએ ધરપકડ વ્હોરી હતી. કાર્યકર રાહુલ ઇશ્વરની આજે ધરપકડ કરવામાં આવી હતી. આની સાથે જ કુલ ઝડપાયેલા લોકોની સંખ્યા ૩૩૪૬ સુધી પહોંચી ગઈ હતી. ગયા સપ્તાહમાં કોચીમાં પત્રકાર પરિષદ દરમિયાન આ મુદ્દે ઉશ્કેરણીજનક નિવેદન કરવા બદલ રાહુલ ઇશ્વરની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ૧૨ કલાક દરમિયાન ૫૦૦થી પણ વધુની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ભગવાન અયપ્પાના મંદિરની આસપાસ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખીને કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યાને ઘણા દિવસ થયા હોવા છતાં કોઇપણ મહિલા હજુ સુધી મંદિરમાં પ્રવેશ કરી શકી નથી. ૨૮મી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો હતો. ત્યારબાદથી શ્રદ્ધાળુઓમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશને ફગાવી દેવા બદલ આ તમામની ધરપકડ કરવામાં આવી છે. ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધને દૂર કરીને સુપ્રીમ કોર્ટે તમામ મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવા અને પૂજા કરવા માટેની મંજુરી આપી હતી. જો કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને લઇને નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. ૧૭મી ઓક્ટોબરના દિવસે મંદિરને પૂજા માટે ખોલવામાં આવ્યા બાદથી કોઇ પણ મહિલા મંદિરમાં પ્રવેશ કરી શકી નથી. ૨૨મી ઓક્ટોબરના દિવસે મંદિરના પ્રવેશ દ્વાર ફરી બંધ કરવામાં આવ્યા હતા.

(12:00 am IST)