Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

મોદી શિવલિંગ ઉપર બેઠેલા વિંછી સમાન છે : શશી થરૂર

શશી થરૂરના નિવેદનથી ભાજપ ભારે લાલઘૂમ : પોતાને શિવભક્ત ગણાવતા રાહુલ ગાંધીએ માફી માંગવી જોઇએ તેવી રવિશંકર પ્રસાદે જોરદારરીતે કરેલી માંગણી

નવી દિલ્હી, તા. ૨૮ : કોંગ્રેસી નેતા શશી થરુર ક્યારે પોતાની ખાસ અંગ્રેજી ભાષામાં અથવા તો ક્યારેક પોતાના કઠોર નિવેદનના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર પોતાના નવા પુસ્તક પેરાડોક્સીકલ પ્રાઇમમિનિસ્ટરને લઇને શશી થરુર ચર્ચામાં છે. કોંગ્રેસી નેતાએ આ સંદર્ભમાં એક ટિપ્પણી કરી દીધી છે. શશી થરુરે કહ્યું છે કે, જે પત્રકારનો તેઓએ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે તેમને એક સંઘના સુત્રએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગ પર બેઠેલા એક વીંછીની જેમ છે. થરુરના આ નિવેદનથી ભાજપે નારાજગી વ્યક્ત કરીને આકરી પ્રતિક્રિયા આપી છે. સાથે સાથે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાસેથી માફીની માંગ કરી છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, પોતાને શિવભક્ત તરીકે ગણાવનાર રાહુલ ગાંધીને શશી થરુરની આ ટિપ્પણી માટે માફી માંગવી જોઇએ.

પ્રસાદે કહ્યું હતું કે, એકબાજુ રાહુલ ગાંધી પોતાને શિવ ભક્ત હોવાનો દાવો કરે છે. બીજી બાજુ તેમના બીજા નેતા જુદા જુદા નિવેદનો કરે છે અને શિવલિંગની પ્રવિત્રતા અને ભગવાન મહાદેવનું અપમાન કરે છે. પ્રસાદે કહ્યું હતું કે, રાહુલ ગાંધી પોતે શિવ ભક્ત તરીકે પોતાને ગણે છે. થરુરે ભગવાન મહાદેવની ભારે ટિકા કરી છે જેથી રાહુલે માફી માંગવી જોઇએ. પોતાના લેખન અને પુસ્તકોને લઇને બેંગ્લોરના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચેલા શશી થરુરે પોતાના પુસ્તકમાંથી કેટલાક પાનાઓ વાંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેટલીક બાબતોનો ઉલ્લેખ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. સંઘના એક વણઓળખાયેલા સુત્રએ એક પત્રકાર સમક્ષ કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. પોતાના પુસ્તકમાં આનો ઉલ્લેખ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. થરુરનું કહેવું છે કે, આ વ્યક્તિએ કહ્યું હતું કે, મોદી શિવલિંગ ઉપર બેઠેલી એક વીંછી તરીકે છે જેને હાથથી દૂર કરી શકાય નહીં. સાથે સાથે ચંપલથી મારી પણ શકાય નહીં. થરુર અગાઉ પણ વડાપ્રધાન ઉપર આ પ્રકારની પ્રતિક્રિયા આપી ચુક્યા છે.

(12:00 am IST)