Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ભાજપ મેઘાલયની માફક મિઝોરમમાં મોટાપાયે નાણાં વાપરશે હોર્સ ટ્રેડિંગ કરવાની કોશિશ કરશે :મુખ્યમંત્રીનો ગંભીર આરોપ

ભાજપ નાણાં અથવા મસલ પાવરના આધારે ચૂંટણી લડતું નથી.:મિઝોરમ પ્રદેશ ભાજપ પ્રમુખનો ખુલાસો

નવી દિલ્હી :મિઝોરમના મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ લલથનહવલાએ આરોપ લગાવ્યો છે કે 28 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાદ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ માટે ભાજપ અહીં મોટા પ્રમાણમાં નાણાં વહાવી રહ્યું છે.

  મિઝોરમના મુખ્યપ્રધાન લલથનહવલાએ કહ્યુ છે કે આ નાણાંને અહીં કેન્દ્રીય સુરક્ષાદળોના મુખ્યમથકમાં રાખવામાં આવે છે. લલથનહવાલા મિઝોરમ ખાતેના કોંગ્રેસ ભવનમાં પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠકમાં બોલી રહ્યા હતા.

  તેમણે કહ્યુ છે કે એ જાણકારી નથી કે આ નાણાં સીઆરપીએફ મુખ્યાલયમાં મૂકવામાં આવે છે કે આસામ રાઈફલ્સના હેડક્વોર્ટરમાં રાખવામાં આવે છે. મિઝોરમના મુખ્યપ્રધાને દાવો કર્યો છે કે ભાજપ મેઘાલયની જેમ અહીં પણ હોર્સ ટ્રેડિંગ કરવાની કોશિશ કરશે

   જો કે મિઝો નેશનલ ફ્રન્ટ ભાજપ સાથે કોઈપણ પ્રકારનો ચૂંટણીલક્ષી તાલમેલ કરવાનું નથી. ત્યારે મુખ્યપ્રધાન લલથનહવાલાએ કહ્યુ  કે એમએનએફ તો ભાજપની જ બી ટીમ છે. તે ભાજપની આગેવાનીવાળા નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સમાં સામેલ છે.

  જો કે મિઝોરમ ભાજપના પ્રદેશ પ્રમુખ જી. વી. લૂનાએ લલથનહવલાના આરોપોને રદિયો આપતા કહ્યુ છે કે ભાજપ હોર્સ ટ્રેટિંગમાં સંડોવાયેલી નથી. ભાજપ વડાપ્રધાન મોદી અને તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોના સહારે ચૂંટણી મેદાનમાં ઉતરે છે. ભાજપ નાણાં અથવા મસલ પાવરના આધારે ચૂંટણી લડતું નથી.

(8:49 am IST)