Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય ૪ બોટો સાથે ૨૪ ખલાસીઓના અપહરણ

અપહરણ કરેલી બોટોમાં ૨ વેરાવળ તેમજ ઓખા અને પોરબંદરની ૧-૧ બોટો : હજુ ૨ દિવસ પહેલા ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને જળસીમા નજીક ફિશીંગ નહી કરવા સૂચના આપેલ

(પરેશ પારેખ, ભરત બારાઇ દ્વારા) પોરબંદર - ઓખા તા. ૨૯ : જખૌ જળસીમાએ પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા ભારતીય ૪ બોટો સાથે ૨૪ ખલાસીઓના અપહરણ કરી ગયેલ છે. બે દિવસ પહેલા ભારતીય ફિશરીઝ વિભાગને જળસીમાએ પાકિસ્તાન દ્વારા માછીમારોનું અપહરણ થઇ શકે તેવી સંભાવના જણાતા માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક માછીમારી કરવા નહીં જવાની સૂચના આપી હતી. ફિશરીઝ વિભાગના માછીમારોને સૂચના આપ્યા બાદ પાકિસ્તાને ભારતીય બોટો સાથે માછીમારોનું અપહરણ કરી જતાં ફરી જળસીમાએ અશાંતિ ઉભી થઇ છે.

જખૌ પાસે આંતરરાષ્ટ્રીય જળસીમાએ પાકિસ્તાન મરીન સિકયુરીટી ત્રાટકીને ત્યાં ફિશીંગ કરી રહેલ ભારતીય ૪ બોટ કે જેમાં ૨ વેરાવળની અને ઓખા તથા પોરબંદરની ૧-૧ બોટો સાથે કુલ ૨૪ ખલાસીઓનું અપહરણ કરી ગયેલ છે.

પાકિસ્તાન મરીન સિકયુરીટીનું 'સબકટ' નામના શીપ દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમાએ ફિશીંગ કરી રહેલી ૪ બોટ સાથે ૨૪ માછીમારોનું અપહરણ કરી ગયેલ. જેમાં ધરતી બોટના ૫ ખલાસીઓ (બોટ રજીસ્ટ્રેશન નં. ઇન્ડિયા જીજે૨૫ ડબલ એમ-૦૭૭૮), જાનબાઇ ૭ ખલાસીઓ રજી. નં. જીજે૩૨ ડબલ ૫૬૫૨, દેવાધિદેવ ૫ ખલાસીઓ, રજી. નં. જીજે૩૨ ડબલ એમ ૨૪૬૨ તેમજ રાધેક્રિષ્ના ૭ ખલાસીઓ રજી. નં. જીજે૧૦ ડબલ એમ. ૩૧૯૭નો સમાવેશ થાય છે.

તાજેતરમાં જ રાજય સરકારે વિધાનસભા ગૃહમાં માછીમારો મુદ્દે જવાબ રજૂ કર્યો હતો. ૩૧ જુલાઇ, ૨૦૨૧ સુધીમાં ૫૦૯ જેટલાં માછીમારો હાલમાં પણ પાકિસ્તાનની જેલમાં કેદ છે. ૫૦૯ માછીમારો ઉપરાંત ૧ હજાર ૧૪૧ બોટ પણ પાકિસ્તાન દ્વારા કબ્જે કરવામાં આવી છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં ૮ તેમજ ૨૦૨૦-૨૧માં ૧૦ એમ કુલ ૧૮ રજૂઆત કેન્દ્રમાં કરવામાં આવી છે. સરકારે ગૃહમાં જણાવ્યું કે, છેલ્લાં ૨ વર્ષમાં ૩૭૬ માછીમારો પાકિસ્તાનમાંથી મુકત કરવામાં આવ્યાં છે. જો કે છેલ્લાં ૨ વર્ષમાં એક પણ બોટ મુકત કરવામાં નથી આવી.

અગાઉ પાકિસ્તાનની જેલમાં યાતના ભોગવી રહેલા કેદીઓના પરિવારોએ પોતાની વ્યથા પ્રગટ કરી હતી. માછીમારોની પત્નીઓએ પોતાની આપવીતી જણાવી હતી. માછીમાર બહેનોએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપર અમને આશા અને અપેક્ષા છે. આગામી ૧૫ ઓગસ્ટ આવી રહી છે અમારા પતિઓને સરકાર છોડાવે તેવી માછીમાર બહેનોએ માંગ કરી હતી. અમારે બાળકો છે તો કઇ રીતે તેઓનું ભરણ પોષણ કરવું તેમજ જૂનાગઢ, દિવ સહિત અનેક જગ્યાઓ પર અધિકારીઓને રજૂઆત કરી ચૂકયા હોવા છતાં કોઈ પરિણામ નથી આવ્યું તે વાસ્તવિકતા છે.

(1:01 pm IST)