Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મધુબન ડેમ છલકાયો

વલસાડમાં ૮ કલાકમાં ૧૫.૯૪ ઇંચ વરસાદ

વલસાડ તા. ૨૯ : વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન છુટાછવાયા વરસાદી ઝાપટા બાદ મોડી રાત્રે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ કપરાડા અને મહારાષ્ટ્ર બોર્ડરમાં રાત્રે ૧૨ વાગ્યાથી સવાર ૮ વાગ્યા સુધી ૧૫.૯૪ ઇંચ વરસાદ ખાબકી ચૂકયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબનડેમમાં પાણી ૯ લાખ કયુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. ૮ કલાકમાં કુલ મધુબનડેમ ૭ દરવાજા ૨ મીટરે ખોલાયા છે. તો ડેમમાંથી ૯ લાખ કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. આ કારણે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક NDRF ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો બીજી તરફ, અધિકારીઓને હેડકવાટર્સ ન છોડવાની સૂચના અપાઈ છે.

વલસાડ શહેરમાં ૬.૫ ઇંચ અને કપરાડા તાલુકામાં ૬ ઇંચ વરસાદ ખાબકી ચૂકયો છે. ત્યારે આજે પણ સવાર બાદ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે વલસાડ શહેરના છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ગઈ મોડીરાત્રે વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો શહેરની રોજીંદી સમસ્યા સમાન છીપવાડ અને  મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા વહેલી સવારે નોકરી ધંધે જતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમ જિલ્લાના તમામ તાલુકાઓ વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી, વાપી અને ઉંમરગામ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે હજુ પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આથી વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે.

છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં વરસેલો વરસાદ

વલસાડ

૬.૩ ઇંચ

કપરાડા

૬ .૧ ઇંચ

પારડી

૩.૩ ઇંચ

ધરમપુર

૨.૯ ઇંચ

વાપી

૨.૭ ઇંચ

ઉમરગામ

૨.૬ ઇંચ

(11:06 am IST)