Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સોની બજારમાં સનસનાટીઃ બંગાળી વેપારીની દૂકાનમાંથી ૬૦ લાખના સોનાની ચોરી : ફૂટેજમાં એક શકમંદ દેખાયો

સવજીભાઇની શેરીમાં જુનવાણી મકાનમાં મુળ બંગાળના મોઇનભાઇ મલિક અને પુત્ર શરીફુલ મલિક સોનાના દાગીનાનું કામ કરે છેઃ રાતે બાર સુધી કામ ચાલુ હતું: રાત્રીના અઢી આસપાસ ચોરી થઇઃ દરવાજા-જાળી-તાળા તોડી હાથફેરો : તસ્કરોએ સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા અને ડીવીઆર પણ લઇ ગયાઃ દૂકાનમાં ૨૫ જેટલા કારીગરો કામ કરે છેઃ એ-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસનો ધમધમાટ આદર્યોઃ જાણભેદૂની સંડોવણી કે પછી રીઢા તસ્કરોનું કામ?

તરખાટઃ તસ્વીરમાં જ્યાં ચોરી થઇ તે બંગાળી વેપારીની દૂકાનનું પ્રવેશદ્વાર, તોડી નખાયેલો લાકડાનો દરવાજો, તાળા, ઉપરના માળે જે ટેબલો પર બેસીની કારીગરો દાગીના બનાવે છે એ તમામ ટેબલના ખાનાઓમાં રાતે કામ બંધ કરતી વખતે સોનુ-દાગીના લોક કરીને મુકી રખાય છે. આ તમામ ટેબલના ખાનાના લોક તોડી સોનુ ચોરી જવાયું છે. કુલ ૬૦ લાખનું ૯૦૦ ગ્રામથી વધુ સોનુ ચોરી જવાયાનું દૂકાન માલિકે જણાવ્યું છે.  સોૈથી નીચેની તસ્વીરોમાં કબાટના ખુલ્લા ખાના, અંદર વેરવિખેર ચીજવસ્તુઓ, ડીવીઆર લઇ તિજોરી જેમાં રખાઇ છે એ કબાટના તૂટેલા દરવાજા, સીસીટીવીનું ડીવીઆર જેમાં રખાયુ હતું તે લાકડાનો કબાટ તથા દૂકાનમાં વેરવિખેર ચીજવસ્તુઓ અને ઘટના સ્થળે ઉમટી પડેલા લોકો, કારીગરો તથા વચ્ચે ઇન્સેટમાં દૂકાન માલિક બંગાળી વેપારી જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯: શહેરની સોની બજારમાં સનસનાટી મચી ગઇ છે. સવજીભાઇની શેરીમાં કાંતિલાલ ધીરજલાલ એન્ડ સન્સ પાસે આવેલી મુળ બંગાળના વેપારી પિતા-પુત્ર મોઇનભાઇ અલીભાઇ મલેક અને શરીફુલ મોઇનભાઇ મલેકની દિપાલી ચેમ્બરમાં આવેલી મોઇનભાઇ મીનાવાલા નામની દૂકાનના તાળા તોડી તસ્કરો અધધધ ૬૦ લાખનું સોનુ ચોરી ગયા છે. રાત્રીના સાડા બાર પછી ચોરીની આ ઘટના બની હતી. મોડી રાત સુધી દૂકાનમાં કારીગરો કામ કરી રહ્યા હતાં. એ પછી દૂકાન બંધ કરવામાં આવી હતી. એકાદ શકમંદ ચોરીના સ્થળની આજુબાજુના અન્ય કેમેરામાં જોવા મળ્યો હોઇ તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હાથીખાના-૪માં રહેતાં અને સોની બજારમાં સોનાના દાગીના બનાવવાની દૂકાન ધરાવતાં મુળ બંગાળના મોઇનભાઇ અલીભાઇ મલિક (ઉ.વ.૬૦) તથા તેનો પુત્ર શરીફુલ મલિક (ઉ.વ.૩૦) સવારે સાડા નવેક વાગ્યે નિત્ય ક્રમ મુજબ પોતાની દૂકાને આવ્યા ત્યારે લોખંડની જાળીનું તાળુ ખોલી અંદરના દરવાજાને ખોલવા પ્રયાસ કરતાં દરવાજો અંદરથી બંધ જણાયો હતો. ધક્કો મારવા છતાં ન ખુલતાં બાજુની સીડીએથી ઉપરના પહેલા માળે જઇ ત્યાંથી જઇ તપાસ કરતાં દૂકાન અંદર તમામ કબાટ-ટેબલોના ખાના વેરવિખેર જોવા મળ્યા હતાં. તપાસ કરતાં દૂકાનમાં પહેલા માળે કારીગરો જ્યાં બેસીને સોનાના દાગીના બનાવતાં હોય છે એ ટેબલોના ખાનામાંથી સોનુ અને દાગીના ગાયબ જણાયા હતાં. વેપારીના કહેવા મુજબ ચોરાઇ ગયેલા સોનાની કિંમત અંદાજે ૬૦ લાખ જેટલી થાય છે. વેપારી મોઇનભાઇ મલિકના જણાવ્યા મુજબ તેઓ આઠ વર્ષથી આ દૂકાનમાં બેસી સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. દૂકાનમાં ૨૫ જેટલા બંગાળી કારીગરો કામ કરે છે. હાલમાં તેમને કોઇપણ કારીગર પર શંકા નથી.

ઘટનાથી જાણ થતાં ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલ, એ-ડિવીઝન પોલીસ મથકના પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ ડી. બી. ખેર, ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, હેડકોન્સ. રવિભાઇ વાઘેલા તથા ડી. સ્ટાફની ટીમ અને ડીસીબીના પીએઅસાઇ એમ. એમ. ઝાલા સહિતની ટીમોનો કાફલો પહોંચી ગયો હતો. પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇ તપાસ શરૂ કરી છે.

તસ્કરોએ સીડી મારફતેથી ત્રીજા માળે અગાસીએ પહોંચી ત્યાંથી નીચેના માળે બંગાળી વેપારીની દૂકાન સુધી પહોંચ્યા હતાં અને જાળી અને લાકડાના દરવાજા તોડી તસ્કરો અંદર ઘુસી ગયા હતાં અને એંસી લાખનું સોનુ ચોરી ગયા હતાં.  તસ્કરોએ સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા છે અને ડીવીઆર પણ લઇ ગયા છે. મોડી રાતના બારેક વાગ્યા સુધી કારીગરો કામ કરતાં હતાં. એ પછી દૂકાન બંધ કરવામાં આવી હતી. આજે સવારે નિત્યક્રમ મુજબ વેપારી પિતા-પુત્ર દૂકાને આવ્યા ત્યારે ચોરીની જાણ થઇહતી. ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દરમિયાન ચોરીના સ્થળ  આસપાસની અન્ય દૂકાનામાં કેમેરા છે કે કેમ? તે અંગે તપાસ થતાં એક દૂકાનના સીસીટીવી કેમેરામાં એક શકમંદ દેખાયો છે. રાત્રીના અઢીથી ત્રણના ગાળામાં ચોરી થયાનો તેના પરથી અંદાજ નીકળ્યો છે. પોલીસે બજારના અન્ય કેમેરા ચેક કરવા કવાયત આદરી છે.

(3:10 pm IST)