Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

લખનઉમાં અેપલ કંપનીના મેનેજરની હત્‍યાઃ ગાડી ચડાવવાની કોશિષ કરતા ફાયરીંગ કર્યાનો કોન્‍સ્‍ટેબલ પ્રશાંત ચૌધરીનો દાવો

લખનઉ: વીઆઈપી વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલની ગોળીથી અમેરિકન મલ્ટીનેશનલ કંપની એપલના મેનેજરનું મોત થયું છે. માહિતી પ્રમાણે, એપલ કંપનીના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારી શુક્રવારે રાત્રે આઈફોનની લોન્ચિંગ ઈવેન્ટમાંથી પરત આવતા હતા. દરમિયાન રસ્તામાં પોલીસે તેમની ગાડીને રોકી ત્યારે વાત વધી અને કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ વિવેક પર ફાયરિંગ કર્યું. આરોપી કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. જો કે આરોપી કોન્સ્ટેબલનું કહેવું છે કે તેણે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું કારણકે વિવેકે તેની પર ગાડી ચડાવાની કોશિશ કરી હતી.

મૃતકની પત્નીએ પોલીસ પર સવાલ ઉઠાવતાં ઘટનાને દુર્ઘટના નહીં હત્યા ગણાવી છે. વિવેકની પત્નીએ કહ્યું કે, “પોલીસને મારા પતિને ગોળી મારવાનો અધિકાર નથી. હું ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને સમક્ષ માગ કરું છું કે તેઓ આવે અને મારી વાત સાંભળે.” જણાવી દઈએ કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિવેકનું મોત થયું છે અને હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. SSP લખનઉએ પુષ્ટિ કરી છે કે આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.

લખનઉના SSP કલાનિધિ નૈથાનીએ જણાવ્યું કે, “ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 302 અંતર્ગત હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી સના ખાને જણાવ્યું કે, શુક્રવારે રાત્રે તે પોતાના કલીગ વિવેક તિવારી સાથે ઘરે જઈ રહી હતી. સીએમએસ ગોમતીનગર પાસે તેમની કાર ઊભી હતી ત્યારે બે પોલીસવાળા આવતાં તેમણે ત્યાંથી છટકવાનો પ્રયાસ કર્યો.” તો ઘટના વખતે વિવેક સાથે ગાડીમાં હાજર સહકર્મી સનાનો આરોપ છે કે કોન્સ્ટેબલે બાઈક પર પીછો કરીને વિવેકને ગોળી મારી દીધી. સનાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

લખનઉ પોલીસના દાવા સામે વિવેકની પત્નીએ સવાલ ઉઠાવ્યા છે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેણે પોલીસ પર હત્યાનો આરોપ લગાવતાં કહ્યું કે, “ દુર્ઘટના નહોતી. પોલીસે મારા પતિની ગાડી પર ગોળી કેમ ચલાવી? વિવેક સાથે રાત્રે દોઢ વાગે મેં વાત કરી હતી. મને ખબર છે કે વિવેક સના સાથે હતો. સીએમ યોગી આદિત્યનાથ આવશે ત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.” કલ્પનાએ પોલીસનો અન્ય એક દાવો પણ ખોટો ગણાવ્યો છે. કલ્પનાએ કહ્યું કે, “મારા પતિ કોઈ વાંધાજનક સ્થિતિમાં નહોતા. તેમના કેરેક્ટર સામે પોલીસે ઉઠાવેલા સવાલ પાયાવિહોણા છે. તેને કંઈ ખોટું કરતા જોયો તો જેલમાં પૂરી દેવાનો હતો.”

પોલીસ પ્રત્યક્ષદર્શી સનાની પણ પૂછપરછ કરી રહી છે. ગોળી ચલાવનારા કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ પોતાના બચાવમાં કહ્યું કે, “અમે પેટ્રોલિંગ કરતા હતા ત્યારે વિવેક અમારી ઉપર ગાડી ચડાવી દીધી. વિવેકનો ઈરાદો અમને જાનથી મારી નાખવાનો હતો. તેણે 3 વખત કાર રિવર્સ ગિયરમાં નાખીને અમને કચડવાનો પ્રયાસ કર્યો. ગાડીમાં અંદર કોણ બેઠેલું હતું તે ના જોઈ શક્યા.”

SSP આરોપ પર સ્પષ્ટતા આપતાં કહ્યું કે, “બે અન્ય પોલીસવાળાએ પણ તેને રોકવાની કોશિશ કરી પરંતુ તે અટક્યો અને કોન્સ્ટેબલે ફાયરિંગ કર્યું. ત્યારબાદ તેઓ ગભરાઈ ગયા અને તેમની કાર અંડરપાસના પિલર પર અથડાઈ ત્યારે વિવેકને ગંભીર ઈજા થઈ. પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ જ્યાં મોડી રાત્રે તેનું મૃત્યુ થયું.” ઘટનાસ્થળે પહોંચેલા ઉચ્ચ અધિકારીઓએ સ્થિતિનો તાગ મેળવ્યો. વિવેકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

પ્રત્યક્ષદર્શીઓએ આપેલી માહિતી શેર કરતાં SSP કહ્યું કે, “છટકવાની કોશિશ કરવામાં વિવેકની ગાડીએ એક પોલીસવાળાની બાઈકને પણ ટક્કર મારી. જે બાદ કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ ફાયર કર્યું અને બુલેટે કારનું વિંડ શીલ્ડ વિંધી નાંખ્યું. વિવેકની મોત કાર અથડાતાં થયેલી ઈજાઓને કારણે થઈ છે કે ગોળી વાગવાથી તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.”

(5:11 pm IST)