Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

મુંબઇ જાવ તો ફુડ ડિશ પણ આરોગજોઃ બોમ્‍બૈયા ભેળથી લઇને રગડા પેટીસ અને પાંઉભાજીથી લઇને વડાપાઉનો સ્‍વાદ અહીં જેવો ભારતમાં બીજે ક્યાંય નહીં મળે

આપણે મુંબઈ તો ઘણીવાર ફરવા જઈએ છીએ કે ક્યારેક કામથી પણ જઈએ છીએ. મુંબઈ જેમ તેના બીચ અને ફાસ્ટ લાઇફ માટે ફેમસ છે તેમ તેની જુદી જુદી ફુડ ડિશ માટે પણ ફેમસ છે. અહીં આવ્યા બાદ ડિશનો સ્વાદ લેવાનું ચુકવા જેવું નથી. બોમ્બૈયા ભેળથી લઈને રગડા પેટિસ અને પાઉંભાજીથી લઈને વડાપાઉંનો જે સ્વાદ તમને અહીં ચાખવા મળશે તેવો આખા ભારતમાં બીજે ક્યાંય નહીં મળે. તો ચાલો જાણીએ આવા સ્ટ્રિટફુડ વિશે અને લિસ્ટ બનાવી લઈએ

વડાપાંઉ

મુંબઈ પહોંચીને વડાપાઉંનો સ્વાદ ચાખ્યો તો ઘણું મિસ કરી દીધું. આમ તો દેશના લગભગ દરેક શહેરમાં તમને વડાપાઉં મળી જશે પણ મુંબઈના વડાપાઉંની વાત કંઈક અલગ છે. અહીં રેસ્ટોરાંથી લઈને બીચ પર તમને ટેસ્ટી ડિશનો બોમ્બૈયા સ્વાદ ચાખવા મળશે. જેમાં તમને પાઉંની અંદર વડુ મુકીને ખટ્ટમિઠ્ઠી ચટણી સાથે તળેલા મરચા સાથે સર્વ કરવામાં આવે છે.

મિસળ પાઉં

બટેટાની સુકી ભાજી, પૌવા, ઝીણાં સમારેલા કાંદા, ટમેટા અને મીઠો લીમડો બધાના મિશ્રણથી બનતી ડિશ મુંબઈના ફેવરિટ સ્ટ્રિટ ફૂડમાંથી એક છે. જેને પાઉં અને દહીં સાથે સર્વ કરવામાં આવે છે.

પાઉંભાજી

પાઉંભાજી તો તમે ઘરે પણ બનાવતા હશો અને તમારા શહેરમાં પણ ખાધી હશે પણ મુંબઈ જેવી પાઉંભાજી તમને બીજે ક્યાંય ખાવા નહીં મળે. બટેટા, કોબી,વટાણા, ગાજર, ડુંગળી અને ટમેટાથી બનેલી ભાજી સાથે બટરમાં શેકેલા પાઉં અને ગરમાગરમ ભાજી પર ઉપરથી થોડું બટર તમારી ચીભના ચટાકાને સંતોષશે.

રગડા પેટીસ

જો હવે મુંબઈ જાવ તો અહીં રસ્તા પર મળતી રગડા પેટિસનો ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. રગડો કાબૂલી ચણામાંથી બનાવાય છે અને પેટીસ બટેટાના માવામાંથી બનાવાય છે. જેને ડીપ ફ્રાઇ કર્યા બાદ તેના પર ગરમા ગરમ રગડો અને નાના ઝીણા સમારેલા કાંદા સાથે લાલ-લીલી ચટણીનું વેરિએશન કરીને ડિશ આપવામાં આવે છે.

ભેળપુરી-સેવપુરી

મુંબઈની ગલ્લીઓમાં ફરતા ફરતા નાની ભૂખને સંતોષવા માટે ભેળપુરી અને સેવપુરી પણ એક સારો ઓપ્શન છે. ભેળપુરી મરાઠી ચાટની વેરાયટી છે. જેમાં ચેવડો, શાકભાજી અને આમલીની ખાટી ચટણીને મિક્સ કરીને બનાવાય છે.

બોમ્બે સેંડવિચ

બ્રેડ સ્લાઇસ અંદર બીટ, બટેટું, કાકડી, ડુંગળી અને ફુદીનાની ચટણીનું લેયર કરીને આપવામાં આવે છે. સામાન્ય રીતે મળતી સેન્ડવિચ કરતા સેન્ડવિચનો સ્વાદ થોડો અલગ હોય છે. માટે મુંબઈ આવીને તેનો સ્વાદ લોવાનું બિલકુલ ભૂલતા નહીં. જો તમે હેલ્થ કોન્સિયસ છો તો પણ ફૂડ તમારી લિસ્ટમાં પહેલું હોવું જોઈએ.

બટેટા વડા

બટેટા વડાને આલુ બોંડા નામથી પણ ઓળખાય છે જે મુંબઈગરાનું ફેવરિટ વેજિટેરિયન સ્ટ્રિટ ફૂડ છે. બટેટાના માવાને ચણાના લોટના ઘોરમાં રગદોડીને ડીપ ફ્રાઈ કરવામાં આવે છે. માવામાં મીઠું, હળદર અને લાલ મરચાનો ભુક્કો નાખીને તેનો ટેસ્ટ વધારવામાં આવે છે. જેને લીલી ચટણી કે સોસ સાથે ખાવામાં આવે છે.

ઝુણકા ભાખર

મરાઠી ફૂડ ડિશ ઝીણી સમારેલા ડુંગળીને સરસોના તેલમાં મીઠા લિમડાના વઘાર સાથે ચણાના લોટના ઘોરમાં પકાવવામાં આવે છે. મસાલા માટે તેમાં મીઠું, મરચું અને હિંગ પણ નાખવામાં આવે છે. મિશ્રણ પાકીને ઘટ્ટ રગડો થઈ જાય એટલે જુવારની ભાખરી સાથે તેને પીરસવામાં આવે છે.

ફ્રેંકી

અહીં ફ્રેંકી પણ એકમદ અલગ ટેસ્ટ અને અંદાજમાં મળે છે. નાન બ્રેડની રોટલીમાં પનીરની સાથે અન્ય શાકભાજીના સ્ટફિંગ અને સ્પાઇસી ચટણી સાથે ડિશનો સ્વાદ ચારગણો થઈ જાય છે.

કાંદા પૌવા

મુંબઈમાં ડિશ ખુબ પોપ્યુલર નાસ્તા ડિશ છે. મુંબઈમાં ડુંગળીને કાંદા કહેવાય છે. બટેટા પૌવામાં ધાણાભાજી અને લીંબુંની સાથે ઝીણાં સમારેલા કાંદાને ઉપરથી ભભરાવવામાં આવે છે. પૌવાનો ટેસ્ટ કંઈક અલગ હોય છે.

ફાલુદા

એક પર્શિયન ડિશ છે જેને મોટાભાગે લોકો એક ડેઝર્ટની જેમ ખાય છે. દૂધ, સેવૈયા, બદામ, પિસ્તા, ગુલકંદ, આઇસક્રિમથી તૈયાર કરવામાં આવેલ ડેઝર્ટ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેમાં પણ ખાસ કરીને ગરમીની ઋતુમાં ઘણી જગ્યાએ ખાવામાં આવે છે.

(5:11 pm IST)