Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

દેશના અબજો ચાંઉ કરી જનારા ત્રણેય ગુજરાતના એક જ ગામના વતની

તપાસ એજન્સીઓથી બચવા ત્રણેય અંગે કોઇ કશું બોલવા નથી તૈયાર

અમદાવાદ તા. ૨૯ : દેશની બેંકો પાસેથી કરોડો અબજો રૂપિયાની લોન લઈ દુનિયાના જુદા જુદા દેશમાં ભાગી જનારા હાઈપ્રોફાઇલ ભાગેડૂઓ નિરવ મોદી, મેહુલ ચોકસી અને જતિન મેહતા આ ત્રણેયની સ્ટોરીમાં એક કોમન વસ્તુ હોય તો એ છે કે ત્રણેય ગુજરાતી છે અને તેમાં પણ ત્રણેય ગુજરાતના પાલનપુર ગામના ધલવાસની એક જ સાંકડી શેરીના રહેવાસી છે.

ધલવાસની આ શેરીમાં તમને ચોમેર જવેલરીની શોપ્સ અને મસ્જિદો દેખાશે આ બધા વચ્ચે ગ્રાહકોને આકર્ષવા માટે મોટ મોટેથી પોતાને ત્યાં વેચાતા માલ અને તેના ભાવ અંગે બોલતા વેપારીઓના અવાજથી ગુંજતી આ શેરી કોઈ સામાન્ય ભારતીય ગ્રામીણ બજાર જેવી જ લાગે છે. પરંતુ જયારથી દેશની મોસ્ટવોન્ટેડ ત્રીપુટી સમાચારોમાં ઝળકી છે આ શેરીમાં અજાણ્યા વ્યકિત સાથે લોકો વાત કરતા પણ થોડું અચકાય છે.

નિરવ મોદીનું પૂર્વજોનું ઘર તો આજે વેચાઈને તેની જગ્યાએ એક શોપિંગ સેન્ટર ઉભું છે પરંતુ તેના કાકા ચોકસી અને ત્રીજો ભાગેડૂ મેહતાના ઘર હજુ પણ તે જ સ્થિતિમાં ઉભા છે. જોકે તપાસ એજન્સીઓને પોતાની નાની દુકાનથી દૂર જ રાખવા માગતો લોકો તમારી સાથે આ ત્રણેય અંગે ખાસ વાતચીત નહીં જ ખરે. બસ દબાયેલ અવાજમાં એટલું જ કહેશે કે, 'મોદી, ચોકસી અને મેહતા ત્રણેય અહીં જ રહેતા હતા.'

બેંકો પાસેથી રૂ.૨૦,૦૦૦ કરોડની લોન લઈને ફુલેકું ફેરવી ભાગી જનારા ત્રણેય પૈકી વિનસમ ડાયમંડ એન્ડ જવેલર્સના મેહતા કે જણે ૬૮૦૦ કરોડ બેંકના ચૂકવ્યા નથી હાલ કેરેબિયન આઇલેન્ડ સૈન્ટ કિટ્સના નાગરિક છે. જયારે રૂ. ૧૩,૫૭૮ કરોડના બેંક ફ્રોડમાં નામ આવ્યું છે તેવા નિરવ મોદી અને ચોકસી પૈકી ચોકસી એન્ટિગુઆનો નાગરિક બની ચૂકયો છે જયારે નિરવ અંગે હજુ કંઈ અતોપતો નથી લાગતો. જોકે દુનિયાના જુદા જુદા દેશોમાં તેને જોયો હોવાના રિપોર્ટ જરુર મળે છે.

મોદીનું ઘર જેમની સામે હતું તેવા સિરામિકના વેપારી આતિક રહેમાન શૈખે કહ્યું કે, 'ભલે મોદી અને તેનો પરિવાર ઘણા વર્ષોથી અહીંથી મુંબઈ ચાલ્યો ગયો હતો પરંતુ તેઓ દરવર્ષે તહેવારો અને ધાર્મિક કાર્યો માટે અહીં આવતા હતા.' જયારે શહેરના જાણીતા હીરાના વેપારી દિલિપ શાહ કહે છે કે, 'ત્રણેય કૌભાંડીઓ શેરીના એક જ ખુણામાં રહેતા હતા અને અહીંથી ચાલ્યા ગયા બાદ લગ્નપ્રસંગે કયારેક કયારેક આવતા હતા.'

શાહે કહ્યું કે, 'પાલનપુરમાંથી દેશ અને દુનિયાના ઘણા મોટા હીરા વેપારીઓ આવ્યા છે. આ ત્રણેય કૌભાંડીઓ પણ અહીંના જ રહેવાસી છે. મુંબઈથી લઈને એન્ટવર્પ સુધી પાલનપુરના હીરા વેપારીઓ અને તેમનો કારોબાર ફેલાયેલ છે. ૧૯૮૨માં ગામમાં ૨૦૦૦ જેટલા હીરાના કારખાના હતા જેમાં ૧.૫૦ લાખ લોકો રોજગારી મેળવતા હતા. જોકે આજે ૨૦૦ જેટલા જ યુનિટ કાર્યરત છે અને તેમાં પણ માંડ ૧૫૦૦ જેટલા હીરાઘસુ કામ કરે છે. વેપારની અવદશા માટે તેઓ સીન્થેટિક ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી અને વેપારીઓની મુંબઈ-સુરત તરફ હીજરતને જવાબદાર ગણે છે.'

(3:21 pm IST)