Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ઇન્ડોનેશિયામાં ભયાવહ ભૂકંપ અને સુનામીથી તબાહી : ૪૦૦ લોકોના મોત

ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલુ શહેરથી ૭૫ કિ.મી. દૂર હતું

જકાર્તા તા. ૨૯ : ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ અને આજુબાજુના વિસ્તારમાં ૭.૫ના ભયાવહ ભૂકંપ બાદ સૂનામીને કારણે તારાજી સર્જાઇ છે. ડિઝાસ્ટર એજન્સીના પ્રમાણે આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૪૦૦ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

અગાઉ કોમાંગ આદિ સુજેન્દ્ર નામક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલમાં ૩૦ લોકોના મૃતદેહ પડ્યા છે અને અનેક લોકો ઘાયલ છે, સારવાર માટે ડોકટરોની જરૂર છે. નોંધનીય છે કે, શુક્રવારે ત્રાટકેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલૂ શહેરથી ૭૫ કિમી દૂર હતું. ભૂકંપની તીવ્રતા એટલી તીવ્ર હતી કે, તેના આંચકા ૯૦૦ કિમી દૂર દક્ષિણમાં સ્થિત ટાપુના સૌથી મોટા શહેર માકાસર સુધી અનુભવાયા હતા.

ઇન્ડોનેશિયાના ડિઝાસ્ટર એજન્સીના પ્રવકતા સુતોપો પુર્વો નુગ્રોહોએ જણાવ્યું હતું સુલાવેસી વિસ્તારમાં વિજળી અને દૂરસંચાર સેવા ઠપ થઇ જવાને કારણે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો છે. જોકે રાહત-બચાવની કામગીરી યુદ્ઘના ધોરણે ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે અનેક બિલ્ડીંગો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઇ હતી.

પાલૂના દક્ષિણમાં લગભગ ૧૭૫ કિમી દૂર તોરાજાના નિવાસી લીસા સોબા પાલ્લાને જણાવ્યું હતું કે, શુક્રવારે અનેક આંચકા અનુભવાયા હતા. તેમણે જણાવ્યું કે, અંતિમ આંચકો અત્યંત તીવ્ર હતો. ઇન્ડોનેશિયાની ભૌગોલિક સ્થિતીને કારણે ત્યાં ભૂકંપના આંચકા અવારનવાર આંચકા અનુભવાતા રહે છે. ડિસેમ્બર ૨૦૦૪માં ઇન્ડોનેશિયાના સુમાત્રામાં ૯.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને કારણે ત્રાટકેલી સુનામીને લીધે હિંદ મહાસાગર ક્ષેત્રના અનેક દેશોમાં ૨,૨૦,૦૦૦ લોકો માર્યા ગયા હતા.(૨૧.૨૬)

(3:20 pm IST)