Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

૫૬ ઇંચની છાતીવાળી સરકાર પણ પ્રસન્‍નતાને પાત્ર

સર્જીકલ સ્‍ટ્રાઇકને બે વર્ષ પુર્ણ... જાંબાઝ જવાનોને અભિનંદન.....

વાપી : વડાપ્રધાન શ્રી મોદી સરકારના સાહસભર્યા પગલાઓ પૈકીનું એક એટલે પાકિસ્‍તાન ઉપર કરાયેલ સર્જીકલ સ્‍ટ્રાઇક...

આજે એટલે કે ૨૯મી સપ્‍ટેમ્‍બર ૨૦૧૮ના રોજ પાકિસ્‍તાન પર કરાયેલ સર્જીકલ સ્‍ટ્રાઇકને બે વર્ષ પુર્ણ થઇ રહયા છે. આ વેળાએ આપણા ભારતીય સેનાના એ જાંબાઝ જવાનોને અભિનંદનની સાથે સાથે હજારો સલામ...

આજથી આશરે બે વર્ષ પહેલાં આંતકીઓ જાણે બેફામ બન્‍યા હતા. જમ્‍મુ-કાશ્‍મીરમાં તો જાણે માજા મુકી હતી. એમાં પણ ઉરીના હુમલાએ તો જાણે કહેર વર્તાવ્‍યો.

ઉરીના આપણા લશ્‍કરી કેમ્‍પમાં ભરઊંઘમાં સુતેલા આપણા નિર્દોષ જવાનોને આતંકીઓએ નિર્દયતાથી રહેસીં નાંખતા ભારતીય સેનાના જવાનો થયા કાળઝાળ વાત પહોંચી સરકાર સુધી કે હવે હદ થાય છે. આ વેળાએ ૫૬ ઇંચની છાતીવાળા સરકારે પણ પીછેહટના કરી અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇએ સ્‍થિતિને સાચવી નિર્દોષ જવાનોની હત્‍યા હવે નહિ ચલાવાયની મક્કમતા સાથે અઘરો નિર્ણય કર્યો પાકિસ્‍તાન ઉપર  સર્જીકલ સ્‍ટ્રાઇક કરવાનો...

આ ગુપ્ત યોજનાની જવાબદારી સોંપાઇ લેફટનન્‍ટ જનરલ આર.આર. નિમ્‍ભોરકરને તેમણે સેનાના ચુનંદા જવાનો માંથી પસંદગી કરી તાબડતોડ એક ટીમ બનાવી. સરકારનો છુટ્ટો દોર મળ્‍યો. અને સેનાના જવાનો એ રાતોરાત હાથ ધર્યુ આ ગુપ્ત ઓપરેશન.

દુશ્‍મનોની ધરતી પર જવાનું હતું.. એ પણ ગુપ્ત રીતે સેનાના જવાનોએ ભારે ચોકસાઇથી આ યોજના બનાવી. કેવી રીતે જવું કેટલા સમયમાં પહોંચવું પહોંચવામાં કયા અવરોધોને કેમ પાર પાડવા, પહોંચ્‍યા પછી શું કરવું, કેટલા સમયમાં આ ઓપેરેશનને અંજામ આપવો, ટીમના કયા જવાને શું કરવાનું એવો એક મેપ તૈયાર કરાયો.

રાત્રિના ચીર અંઘકારમાં નિકળ્‍યા આપણા જવાનો. આતંકીઓનો ખાત્‍મો બોલાવવા જવાનો પહોંચ્‍યા લીપામાં આવેલ આતંકી કેમ્‍પ અને ભીંભર ગલી સ્‍થિત આતંકી કેમ્‍પ ઉપર હુમલો કરી ગણતરીના સમયમાં કેમ્‍પનો ખાત્‍મો બોલાવી ત્‍યાં અનેક લોન્‍ચ પેડને પણ નષ્‍ટ કર્યા.

કહેવાય છે કે આ સર્જીકલ સ્‍ટ્રાઇકમાં આપણા સેનાના જવાનોએ ૪૦ થી વધુ આતંકવીઓને મોતને ઘાટ ઉતાર્યા. પાકિસ્‍તાનની ધરતી પર જઇ દુશ્‍મનોનો ખાત્‍મો બોલાવી કોઇપણ જાતની ચુક કર્યા વિના પરોઢિયે તો પાછા ભારત પરત ફરી ગયા.

પાકિસ્‍તાન અને આતંકીઓના આકા ઊંઘતા રહયા અને આ બાજુ આપણી સેનાના જવાનો પોતાનો જીવ દાવ પર મુકી સર્જીકલ સ્‍ટ્રાઇક સર્જી ફતેહ મેળવી ભારત આવી ગયા.

સુરજ ઉગતાંની સાથે જ પાકિસ્‍તાનમાં ચકચાર મચી. ગણતરીના કલાકોમાંજ આપણા દેશમાં પણ ચર્ચાઓ ચાલી.

આ વેળાએ આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ એ કોઇની પણ બીક રાખ્‍યા વિના સ્‍વીકાર્યુ કે હા અમારી સેનાએ પાકિસ્‍તાન ઉપર સર્જીકલ સ્‍ટ્રાઇક કરી છે...

માત્ર ભારત ક પાકિસ્‍તાન માં જ નહિ વિશ્વના અનેક દેશોના માંધાતાઓ વિસામણમાં મુકાયા આ ઘટના ઉપર પણ ખેલાયું રાજકારણ...

સરકારના આ નિર્ણયને વધાવવા ને બદલે વિપક્ષોએ માંગી સાબિતી... શું સબુત છે કે સર્જીકલ સ્‍ટ્રાઇક કરાઇ છે.

બીજી બાજુ પ્રારંભમાં તો પાકિસ્‍તાને પણ ચલાવ્‍યું જુઠ્ઠાણું.. કે આવું કાંઇ બન્‍યું જ નથી... પરંતુ સમય જતાં સોૈ કોઇ સમજયું સરકારે પણ આપી સાબિતી અને વિપક્ષોની કરી બોલતી બંધ.

આવી સર્જીકલ સ્‍ટ્રાઇક કરીશુ તો પાકિસ્‍તાન શું કરશે...? યુનોમાં શું જવાબ આપીશું જેવા અગત્‍યના પ્રશ્નોની પરવા કર્યા વિના આનો હુકમ આપ્‍યો હતો આપણા નરેન્‍દ્રભાઇએ.

આ સર્જીકલ સ્‍ટ્રાઇકને આજે ૨૯મી સપ્‍ટેમ્‍બર ૨૦૧૮ના રોજ ર વર્ષ પુર્ણ થઇ રહયા છે. ત્‍યારે ફરી એકવાર ભારતીય સેનાના જાંબાઝ જવાનોને લાખ લાખ સલામ...

જયહિંદ... ભારત માતા કી જય...

(11:37 am IST)