Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

નરેન્‍દ્રભાઇની સાડા ચાર વર્ષની કામગીરીનું સરવૈયુ

નોટબંધી - જીએસટી - સર્જિકલ સ્‍ટ્રાઇક - ટ્રીપલ તલાક વટહુકમ - આયુષ્‍યમાન ભારત - જનધન યોજના - સ્‍વચ્‍છ ભારત અભિયાન - વિદેશોમાં ભારતના ડંકા : હવે ચૂંટણી આડે ગણતરીના જ મહિના બાકી : અધુરા વચનો પૂરા કરવા મોદી માટે મોટો પડકાર

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આવતી કાલે એટલેકે રવિવાર ૩૦ મી સપ્‍ટેમ્‍બરના રોજ રાજકોટ આવી રહયા છે. જેનું ભવ્‍ય સ્‍વાગત કરવા સોૈ કોઇ અધીરું જણાય છે.

ગુજરાતમાં સંઘનો સામાન્‍ય કાર્યકર... મુખ્‍યમંત્રી... અને ત્‍યારબાદ દેશના વડાપ્રધાન પદે પહોંચેલ નરેન્‍દ્રભાઇ ઉપર માત્ર ગુજરાતની જ જનતા નહિ દેશભરની જનતાને મોટી આશા છે કે, આ કાંઇક કરી બતાવશે.

વડાપ્રધાન પદ સંભાળ્‍યાને નરેન્‍દ્રભાઇના પર માસ પુણ થયા છે. પાંચ વર્ષની આ ટર્મ આડે હવે માત્ર ૮ મહિના બાકી છે. એટલે એક રીતે કહીએ તો નરેન્‍દ્રભાઇ અને તેમની સરકારની સ્‍થિતિ જાણે એવી છે કે રાત ટુંકી અને વેશ ઝાઝા છે.

મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વેળાએ સત્તા ઉપર આવવા ભારતીય જનતા પાર્ટીએ કેટલાંક વચનો આપ્‍યા હતા. અને કેટલાંક વાયદાઓ પણ કર્યા હતા. પરંતુ આમાંથી કેટલા વાયદાઓ પાળ્‍યા અને કેટલા વચનો નિભાવ્‍યા... જેનો જવાબ માત્ર જનતા પાસે જ છે. મોદી સરકારનાં આ પર માસની મુખ્‍યત્‍વે કામગીરીઓની એક ઝલક જોઇએ તો...

કઠોર પરંતુ આવશ્‍યક એવું ડિમોટીલાઇઝેશનનું મોદી સરકારના આકરા પગલાની વિશ્વએ નોંધ લીધી. ભારતના રાજકીય આલમમાં વર્ષો પછી કોઇ વડાપ્રધાનને આવું ઐતિહાસિક પગલું ભર્યુ. કાળા નાણાના ભોરીંગ સમાન આ દુષણને નાથવા પ્રજાજનોએ હાડમારી પણ વેઠવી પડી.

ત્‍યારબાદ મોદી સરકારના મહત્‍વના નિર્ણયોમાં આવે છે જીએસટીનો અમલ... એક સાંધો ને તેર તુટે જેવી સ્‍થિતિમાં આ કાયદાનો અમલ કરાવવામાં નરેન્‍દ્રભાઇ સફળ રહયાં.

જોકે એમાં કશુંક ચુક રહી ગયાનું જણાય છે. કારણકે જીએસટીના આ સ્‍લેબથી વેપાર ધંધાને ખાસ્‍સો ફટકો પડયો છે. અને જેની નોંધ સરકારે લઇ એક કમિટી બનાવી એમાં બદલાવ લાવી રહી છે.

આવો જ કદાય સાહસભર્યો નિર્ણય તીનતલાકનો ગણાય. કે કોઇ ચોક્કસ વ્‍યકિતઓને નારાજ કરીને ગેરવ્‍યાજબી પ્રથા બંધ કરાવવી એ સાહસ નહિ તો બીજું શું... પરંતુ નરેન્‍દ્રભાઇએ મુસ્‍લિમ બહેનોને ન્‍યાય અપાવવામાં પાછળના પડયા.

એટલું જ નહિ હજ માટે અપાતી સબસીડીની વર્ષો જુની પ્રથાને રાતોરાત બંધ  કરીને એ રકમ મુસ્‍લિમ બાળાઓના અભ્‍યાસ સહિતના કાર્યોમાં વાપરવાનો નિર્ણય એ પણ હિંમતવાળો નિર્ણય જ ગણાય.

નરેન્‍દ્રભાઇએ વડાપ્રધાન પદ સંભાળ્‍યું ત્‍યારે ક્રુડ-ઓઇલના ભાવો આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે એમની ફેવરમાં હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આંતરાષ્‍ટ્રીય બજારમાં ક્રુડના ભાવો ભડકે બળી રહયા છે. ભારતીય બજારોમાં પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચ્‍યા છે. રોજ જાણે પેટ્રોલ અન ડીઝલના ભાવો વધી રહયા છે.

તેમ-તેમજ પ્રજાજનોનો રોષ પણ વધતો જાય છે. માથે ચૂંટણી તોળાઇ રહી છે. આ સ્‍થિતિમાં કોઇ હોશિયાર રાજકીય વ્‍યકિત શું કરે ડયુટીના ઘટાડીને સરકારની તિજોરી ભરે... કે.. વોટબેંકને સાચવે...?

સામાન્‍ય વ્‍યકિતપણ જવાબ આપી શકે કે વોટબેંકને સાચવવી જોઇએ...પરંતુ જાણે નરેન્‍દ્રભાઇને તો વોટબેંક કરતા દેશની તિજોરીની ચિંતા વધારે જણાય છે. દેશમાં વિકાસના કામો કરવા હશે તો એ ત્‍યારે જ શકય બનશે કે દેશની તિજોરીમાં ધન હોય...

વિશ્વના અનેક વિકસિત દેશોની પોલીસીઓ ભારતમાં લાવવા નરેન્‍દ્રભાઇના અથાગ પ્રયત્‍નો આપણે જોઇ રહયા છીએ.

કોઇપણ દેશના વિકાસમાં ઇન્‍ફ્રાસ્‍ટ્રચરની મહત્‍વની ભૂમિકા રહેતી હોય છે અને એ વસ્‍તુ સારી રીતે સમજતા નરેન્‍દ્રભાઇ દેશના ધોરીમાર્ગોને મોટા કરવા અદ્યતન બનાવવા કરોડો રૂપિયા ખર્ચી રહયા છે. એમાં પણ એમને નીતિનભાઇ ગડકરી જેવા સુજબુજ ધરાવતી વ્‍યકિતનો સાથ મળ્‍યો છે, જે મોદીજીના લક્ષને પુરું પાડવા કામે લાગ્‍યા છે.

આ પૈકીની બીજી સેવા એટલે રેલ સેવા... અદ્યતન રેલ સેવા પુરી પાડવા ઉપરાંત ચોમેરથી ટીકાઓનો સામનો કરી નરેન્‍દ્રભાઇ બુલેટ ટ્રેનનો પ્રોજેકટ લાવ્‍યા છે. માત્ર ગુજરાત કે ભારતમાં જ રહેતા અને કુવામાંના દેડકા જેવી માનસિકતા ધરાવતા કેટલીક વ્‍યકિતઓ સરકારને સવાલ કરે છે કે બુલેટ ટ્રેનની શું જરૂર છે...?

પરંતુ જો દેશને પ્રગતિના પંથે આગળ ધપાવવો હશે તો આધુનિક સવલતો જરૂરી બની રહેશે. હવે જાણે દરેક વ્‍યકિત માટે પૈસા નહિ પરંતુ સમય મહત્‍વનો બની ગયો છે.

નરેન્‍દ્રભાઇ વર્ષોથી એક સપનું જોતા આવ્‍યા છે કે મારે સામાન્‍ય વ્‍યકિતને પ્‍લેનમાં મુસાફરી કરતો કરાવવો છે. અને તે માટે તેઓ ઉડાન યોજના લાવ્‍યા છે. નાના-નાના એક શહેરમાંથી બીજા શહેરમાં જવા વ્‍યાજબી ભાડાના દરે હવાઇ મુસાફરી શકય બનાવી છે.

ઉદ્યોગ-ધંધાના વિકાસના ધોરી નસ સમાન હોય છે. પ્‍લેન-ટ્રેન અને માર્ગ વ્‍યવહાર... આ ત્રણેય પાસા ઉપર મોદી સરકાર કામ કરી રહી છે. આ ઉપરાંત દેશના ખેડૂતો માટે પણ કેટલીક નક્કર યોજનાઓ લાવ્‍યા છે. જેના દ્વારા ખેડૂતોને અનેક ગણો ફાયદો થશે.

નરેન્‍દ્રભાઇ જયારે મુખ્‍યમંત્રી હતા ત્‍યારે પણ કૃષિ મેળા સહિતની યોજનાઓ અમલમાં મુકી ખેડૂતોની ચિંતા કરતાતો આજે તો તેઓ દેશના વડાપ્રધાન પદે છે. એટલે તેઓ કદાચ કોઇ કસર નહિ રાખે...

હા. એકવાત ચોક્કસ છે કે, મોદી સરકાર અમુક અંશે મોંઘવારીને નાથવામાં નિષ્‍ફળ રહી છે. તેમજ તેમની સામે યુવા બેરોજગારીનો પ્રશ્ન પણ મ્‍હોં ફાડી ઉભો છે.

આમ છતાં નરેન્‍દ્રભાઇના આ પર માસના શાસનમાં અનેક વિકાસલક્ષી કાર્યોને હાથ ધર્યા છે. તેમાં કોઇ બે મત નથી. વૈશ્વિક અર્થ વ્‍યવસ્‍થામાં આજથી ૪ વર્ષ પહેલા આપણે ૧૦માં નંબર ઉપર હતા. જે આજે આપણે ૫માં નંબરે પહોંચ્‍યા હોવાનું કહેવાય છે.

કહેવાય છે કે મોદી સરકારે ૪ વર્ષમાં વર્લ્‍ડ બેંક પાસેથી એક પણ રૂપિયાની લોન નથી લીધી... જીએસટીના અમલથી કે આજે ટેક્ષ ભરનારાઓની સંખ્‍યામાં ૬૨ ટકાનો વધારો થયો હોવાનું કહેવાય છે.

૨૦૧૭-૧૮ના વર્ષ દરમ્‍યાન આવક વિભાગમાં રેકોર્ડબ્રેક ઇન્‍કમટેક્ષ જમા થયો છે. એ જ બતાવે છે કે જો આ સિલસિલો આગળ ચાલતો રહે તો દેશની આવક કયાં જઇને પહોંચે...

મેક ઇન ઇન્‍ડિયાની યોજના ભલે ઓછી સફળ જણાતી હોય પરંતુ અનેક વસ્‍તુઓ જે વિદેશથી આયાત કરાતી હતી તે ભારતમાં બનવા લાગી છે. ૨૦૧૪ની ચૂંટણી વેળાએ મોદીજીએ કહયું હતું અચ્‍છે દિન આયેંગે. અને આજે વિપક્ષો પુછે છે કે કર્હા હૈ અચ્‍છે દિન...? હજુ નરેન્‍દ્રભાઇ અને તેમની સરકારે ઘણાં કાર્યો કરવા પડશે પરંતુ તેમની પાસે આ ટર્મ પેટે સમય ઓછો બચ્‍યો છે. આગામી લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં શું  પ્રજાજનો ભાજપને જીતાડી નરેન્‍દ્રભાઇને વધુ કામ અર્થે બીજી ટર્મની તક આપશે કે કેમ...?

 

(11:36 am IST)