Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

દેશમાં દર ત્રણમાંથી એક બાળક કુપોષણથી પીડાય છે

ભારતમાં કુપોષણ ભારતીય સમાજની અસમાનતાનું પરિણામ છે

નવી દિલ્‍હી તા. ૨૯ : નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વેના તારણ મુજબ ભારતનાં દર ત્રણમાંથી એક બાળક કુપોષણનો ભોગ હોવાનું અને દરેક બે બાળકમાંથી એક બાળક એનિમિક હોવાનું બહાર આવ્‍યું હતું. જોકે, પાછલાં વર્ષોમાં યુવતીઓ અને મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ યથાવત્‌ રહ્યું છે. ૨૦૦૫ અને ૨૦૦૬ના નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે સમયે આ પ્રમાણ ૫૫.૩્રુ હતું, જેનું સ્‍તર ૨૦૧૫-૧૬માં ઘટીને ૫૩્રુ નોંધાયું હતું. ભારતની ૫૮% ગર્ભવતી મહિલાઓ પણ એનિમિક હોવાનું નોંધવામાં આવ્‍યું છે.

બાળકોમાં પણ કુપોષણનો દર પહેલા કરતાં ઓછો થયો છે, પરંતુ તેનો ફેલાવો યથાવત્‌ રહેલો હોઈ કુપોષણ દરમાં સુધારો અટકેલો જોવા મળે છે.

બાળકો અને માતાઓ સંદર્ભે કુપોષણનો સામનો કરવાના આશયથી સરકારે માતા તથા બાળકની સ્‍થિતિમાં સુધાર લાવવા રાષ્ટ્રીય ફૂડ સિક્‍યોરિટી એક્‍ટ ૨૦૧૩ અને અન્‍ય યોજનાઓ અમલમાં મૂકી છે, જે હેઠળ માતૃત્‍વના રક્ષણ અને ગર્ભવતી મહિલાઓ, બાળકો તથા સ્‍તનપાન કરાવતી માતાના ખોરાક અને પોષણ અંગેનું ચોક્કસ માળખું તૈયાર કરવામાં આવ્‍યું છે. ઉપરાંત તેમના પોષણ લક્ષ્યોને સુરક્ષિત રાખવા અને ન્‍યુટ્રિશન પરત્‍વે તેમને પ્રોત્‍સાહિત કરવા મજબૂત નીતિ ઘડવામાં આવી છે. પોષણ સંબંધી યોજનામાં કેન્‍દ્ર સરકારે સીધા નીતિગત માળખા તૈયાર કરી બાળવિકાસ સેવાઓ, આરોગ્‍ય અભિયાન, જનની સુરક્ષા યોજના, સ્‍વચ્‍છ ભારત, પીવાનું સ્‍વચ્‍છ પાણી, પોષણ તત્ત્વોમાં સુધારા સહિત અન્‍ય યોજનાનું વિશાળ માળખું પૂરું પાડ્‍યું છે. હાલમાં વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ આરોગ્‍ય ક્ષેત્રે આયુષ્‍યમાન ભારત યોજના પણ અમલમાં મૂકી છે.

ભારતની આરોગ્‍ય નીતિમાં નોંધપાત્ર સુધારો છે પણ મહત્ત્વની સમસ્‍યા યોજનાઓ અંગેની જાગૃતિ અને જાણકારી લાભાર્થીઓ સુધી પહોંચાડવા અંગેની છે. ભારતમાં કુપોષણ ભારતીય સમાજની અસમાનતાનું પરિણામ છે. આરોગ્‍ય અંગેની સભાનતાના અભાવને પરિણામે મહિલાઓ સ્‍તનપાન, બિનઆરોગ્‍યપ્રદ જીવન અને પ્રસૂતિ સમયની સમસ્‍યા તથા કુપોષણથી પીડાય છે. માતામાં કેળવણીનો અભાવ બાળકોમાં પણ કુપોષણ પેદા કરે છે. વળી ભારતીય સમાજની અસમાન વિચારસરણીને કારણે ઘણા પરિવારોમાં સ્ત્રીઓને બાળકો તથા પરિવારને શું ખોરાક આપવો તે જાતે નક્કી કરવાનો અધિકાર પણ નથી. ઘરનો મોભી પુરૂષ અથવા વડીલો જે તે દિવસનું મેનુ નક્કી કરે છે. સુવાવડ સમયે આપવાના ખોરાક અંગે પણ પ્રવર્તતી અંધશ્રદ્ધા અને અજ્ઞાન, અસમાનતા, પુરુષપ્રધાન સંસ્‍કૃતિ અને અસ્‍વચ્‍છતાને કારણે કુપોષણની સાઈકલ અવિરત ચાલુ રહે છે. સરકારની વિવિધ યોજના છતાં અજ્ઞાન અને સમાજરચના યોજનાઓનો યોગ્‍ય અમલ કરાવવામાં અવરોધક બને છે.

 

(11:03 am IST)