Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ભારતે લીધો બદલો : ફરી સર્જીકલ સ્‍ટ્રાઇક? પાક.ના ૧૧ સૈનિકો ઠાર

BSFના જવાન સાથે થયેલી બર્બરતા સામે સરહદે ભારતની કચકચાવીને કાર્યવાહી : દુશ્‍મનોને ભારે નુકસાન : અનેક બંકરોનો બુકડો : સરહદ છોડી ઉભી પૂંછડીયે ભાગ્‍યા પાક. સૈનિકો - રેન્‍જર્સઃ તુમ અગર એક મારોગે તો હમ ગ્‍યારહ મારેંગે

જમ્‍મુ તા. ૨૯ : ભારત પાકિસ્‍તાન આંતરરાષ્‍ટ્રીય સરહદના જમ્‍મુ વિસ્‍તારમાં બીએસએફના હેડ કોન્‍સ્‍ટેબલ નરેન્‍દ્ર શર્મા સાથે કરાયેલ હેવાનિયતનો બદલો લઇ લેવાયો છે. ગૃહ મંત્રી રાજનાથસિંહ અને બીએસએફના મહાનિર્દેશક કે.કે.શર્માએ આની પુષ્‍ટી કરી હતી. શર્માએ કહ્યું કે નિયંત્રણ રેખા પર બે દિવસ પહેલા થયેલી આ જવાબી કાર્યવાહી પછી પાકિસ્‍તાની સેના અને પાક રેન્‍જર્સ સામે હવે પછીની કાર્યવાહીની પણ પુરી તૈયારી છે.

રાજનાથસિંહે મુઝફફરનગરમાં કહ્યું કે સેના અને બીએસએફને પોતાની જરૂરીયાત અનુસાર સરહદ પર કાર્યવાહી કરવાની છુટ છે. શર્માએ ગઇકાલે જણાવ્‍યું કે, બે દિવસ પહેલા એલઓસી પર બીએસએફએ સેનાની મદદથી ભીષણ કાર્યવાહી કરી હતી. જેમાં પાકિસ્‍તાની સેના અને રેન્‍જર્સના ઓછામાં ઓછા ૧૧ જવાનો માર્યા ગયા હતા.

પાકિસ્‍તાને પોતાની સરહદનો પાંચ કિ.મી.નો વિસ્‍તાર ખાલી કરી નાખ્‍યો હતો.

શર્મા અનુસાર, ૧૯ સપ્‍ટેમ્‍બરની ઘટના પછી બીએસએફની જવાબી કાર્યવાહીના ભયથી પાક સેનાએ આઇબી પર પોતાની સરહદનો પાંચ કિમીનો વિસ્‍તાર ખાલી કરી નાખ્‍યો હતો. તેના લીધે બીએસએફ કોઇ કાર્યવાહી નહોતું કરી શકતું. આગામી દિવસોમાં પાક. સેના અને રેન્‍જર્સ વિરૂધ્‍ધ કાર્યવાહીની તૈયારી છે.

શર્માએ કહ્યું કે, પાકિસ્‍તાનમાં ઇમરાન સરકાર બન્‍યા પછી સરહદ પર આક્રમકતા વધી છે. આંતરરાષ્‍ટ્રીય સરહદ પર પહેલીવાર બેટ ઓપરેશન કરીને પાકિસ્‍તાને ભારતને પડકાર આપ્‍યો છે. બેટ ઓપરેશન હેઠળ જ નરેન્‍દ્ર શર્મા સાથે હેવાનીયત આચરવામાં આવી હતી. પાકિસ્‍તાનનું બેટ ઓપરેશન હંમેશા એલઓસી પર જ થાય છે. આંતરરાષ્‍ટ્રીય સરહદ પર આવી ઘટના પહેલીવાર થઇ છે.

આંતરરાષ્‍ટ્રીય સરહદ પાસે ડઝનબંધ લોન્‍ચીંગ પેડ ડીજીએ જણાવ્‍યું કે, આંતરરાષ્‍ટ્રીય સરહદ પર પાકિસ્‍તાની આતંકવાદીઓના ડઝનબંધ કેમ્‍પ અને લોન્‍ચીંગ પેડ કામ કરી રહ્યા છે. આમાંથી કેટલાક તો સરહદથી ફકત પાંચથી સાત કિલોમીટર જ દુર છે. ત્‍યાં સેંકડો આતંકવાદીઓને ટ્રેનીંગ અપાઇ રહી છે. મોકો મળતા જ પ્રશિક્ષિત આતંકવાદીઓ ઘુસણખોરી કરવાની કોશિષ કરશે. પાકિસ્‍તાન પોતાની સરકારી નિતી અનુસાર આવું કરી રહ્યું છે.

(11:00 am IST)