Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

વેકસીનમાં વાયરસ : ભારત ઉપર પોલિયોનો ખતરો

ભારતના લોકો માટે ખરાબ સમાચાર : જે બિમારીને લઇને દેશ બેફીકર હતો તે ફરી ત્રાટકે તેવી શક્‍યતા : ગાઝિયાબાદ સ્‍થિત મેડિકલ કંપની બાયોમેડ દ્વારા બનાવવામાં આવેલ ઓરલ પોલિયો વેકસીનમાં ટાઇપ-ટુ વાયરસ : યુપી - મહારાષ્‍ટ્રમાં થયો છે ઉપયોગ :યુપીથી લેવાયેલ સેમ્‍પલ પોઝીટીવ : દવા કંપનીના ડાયરેકટરની ધરપકડઃ એલર્ટ

નવી દિલ્‍હી તા. ૨૯ : દેશના સામાન્‍ય લોકોના આરોગ્‍યને ઘણા સમય સુધી નુકસાન પહોંચાડનાર પોલિયો ફરીએકવાર ભારતમાં દેખા દે તેવી પૂરી શક્‍યતા છે. હકીકત સામે આવ્‍યા મુજબ દો બુંદ જીંદગી કે પ્રકારની ઓરલ પોલિયો વેક્‍સિનમાં જ ટાઇપ-૨ પોલિયો વાયરસ મળી આવ્‍યા છે. તેમને જણાવી દઇએ કે જયારે ઘણા વર્ષ પહેલા જ ભારતને પોલિયો મુક્‍ત જાહેર કરી દેવાયો છે.

આ સ્‍થિતિમાં એવી શક્‍યતા દર્શાવાઈ છે કે આ બિમારી એકવાર ફરી ભારતમાં ફેલાઈ શકે છે. જેને લઈને આરોગ્‍ય વિભાગ અને તેના સંલગ્ન વિભાગોએ આ બાબતે ત્‍વરીત પગલા ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. એક વરીષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘શક્‍ય છે કે આ વેક્‍સીન મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં ઉપયોગ કરવામાં આવી છે. જેથી અમે આ બંને રાજયોને એલર્ટ કરી દીધા છે.'

અધિકારીએ કહ્યું કે, ‘સરકાર દ્વારા ચલાવાતા પોલિયો કેમ્‍પ માટે બોયોમેડ કંપની વેક્‍સિન બનાવી સપ્‍લાય કરે છે. સૌથી પહેલા આ કિસ્‍સો ત્‍યારે સામે આવ્‍યો જયારે ઉત્તર પ્રદેશના કેટલાક બાળકોના મળમાં આ વાયરસ મળી આવ્‍યા. જે બાદ આ સેમ્‍પલને વધુ તપાસ માટે મોકલી દેવામાં આવ્‍યા છે. જેમાં સામે આવ્‍યું છે કે આ ટાઇપ-૨ પોલિયો વાયરસ છે જે વેક્‍સિનમાં જ પહેલાથી હાજર હતા.'

તપાસમાં આ અંગે સામે આવ્‍યા બાદ બાયોમેડ કંપની સામે FIR કરવામાં આવી છે. તેમજ કંપનીના મેનેજિંગ ડિરેક્‍ટરની ગુરુવારે જ ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ડ્રગ્‍સ કંટ્રોલર ઓફ ઇન્‍ડિયાએ પોતાના આગામી આદેશ સુધી બાયોમેડ કંપનીને કોઈપણ પ્રકારની દવાના નિર્માણ, વેચાણ કે વિતરણ ત્રણેય પર પાબંધી લગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે સરકારે ૨૦૧૬માં જ આ પ્રકારની રસી બનાવતી કંપનીઓને આદેશ આપ્‍યો હતો કે ૨૫ એપ્રિલ ૨૦૧૬ સુધીના તમામ પોલિયો ટાઇપ-૨ વાયરસની રસીનો નાશ કરવામાં આવે ત્‍યારે બાયોમેડ કંપની પાસે આ પોલિયો વાયરસની રસી કઈ રીતે બચીને રહી ગઈ. ઉચ્‍ચ અધિકારીએ કહ્યું કે, ‘તમામ કંપનીઓને આદેશ આપવામાં આવ્‍યા હતા કે પોલિયોની જે પણ રસીમાં ટાઇપ ૨ વાયરસ હોય તે તમામ ઓરલ વેક્‍સિનનો નાશ કરી દેવામાં આવે.' નોંધનીય છેકે વૈશ્વિક સ્‍તરે આ પ્રકારના વાયરસ નાબૂદ થઈ ગયા બાદ ટાઇપ-૨ રસીનું નિર્માણ બંધ કરી દેવામાં આવ્‍યું હતું.

(10:59 am IST)