Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

અટીરાએ વિકસાવ્‍યું નેનો વેબ ફિલ્‍ટર : ગમે ત્‍યાં પાણી શુધ્‍ધ કરી શકાશે

અતિસૂક્ષ્મ જીવાણુઓથી થતાં રોગો સામે રક્ષણ મળશે

અમદાવાદ તા. ૨૯ : કેરળના પૂરની યાદો હજુ સૌ કોઈના માનસપટ પર તાજી જ હશે. પૂર ઓસર્યા બાદ વીજળી વિના શુદ્ધ પાણી મેળવવું ત્‍યાં સૌથી મોટો પડકાર હતો. ત્‍યારે તાજેતરમાં જ અમદાવાદ ટેક્‍સટાઈલ ઈન્‍ડસ્‍ટ્રી રિસર્ચ અસોસિએશન (ATIRA) દ્વારા આ સમસ્‍યાનું સમાધાન શોધવામાં આવ્‍યું છે. અટીરામાં નેનોવેબ ફિલ્‍ટર વિકસાવવામાં આવ્‍યું છે જે કીચડવાળા પાણીને વીજળી વિના શુદ્ધ કરી શકે છે. નેનોફાઈબર્સ જાળી જેવી રચના બનાવે છે અને તેમાંથી અશુદ્ધ કણો બહાર ખેંચી કાઢે છે.

અટીરાના આસિસ્‍ટન્‍ટ ડિરેક્‍ટર આર.એમ.શંકરે કહ્યું કે, ‘અમે ડિફેન્‍સ રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) માટે આ પ્રોજેક્‍ટ તૈયાર કર્યો અને આ ટેક્‍નોલોજી તેમને સોંપી દીધી છે. મોટાભાગે કપરી સ્‍થિતિમાં ફરજ બજાવતા સૈનિકોને DRDOએ આ ફિલ્‍ટર્સ સપ્‍લાય કર્યા છે. ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ અને જંગલમાં તેમજ પૂરની સ્‍થિતિમાં આ ફિલ્‍ટર્સ ખૂબ ઉપયોગી છે.' સિલ્‍વર નેનો પાર્ટિકલનો ઉપયોગ કરીને આ ફિલ્‍ટર બનાવાયું છે. ફિલ્‍ટર અશુદ્ધિઓ દૂર કરવાની સાથે ઈકોલાઈ, સાલ્‍મોનેલા ટાઈફી, સ્‍યુડોમોનાસ જેવા અતિ સૂક્ષ્મકણોનો પણ નાશ કરે છે.

શહેરના એક ક્રિટિકલ કેયર સ્‍પેશિયાલિસ્‍ટ ડો. મનોજ વિઠ્ઠલાણીએ કહ્યું કે, ‘ઈકોલાઈ અને સાલ્‍મોનેલા સામાન્‍ય રીતે ડાયેરિયા અને ટાઈફોઈડ જેવા પાણીજન્‍ય રોગો ફેલાવે છે. સ્‍યુડોનોમાસ જેવા અતિ સૂક્ષ્મકણો ફેફસા, પેટમાં થતા ઈન્‍ફેક્‍શન માટે જવાબદાર છે. એટલે જ આ સૂક્ષ્મજીવો શરીર માટે હાનિકારક છે.'

આમ તો આ ટેક્‍નોલોજી ખાસ DRDO માટે તૈયાર કરાઈ છે પણ હવે અટીરા સામાન્‍ય લોકોને પણ આનો લાભ મળે તે દિશામાં કામ કરી રહી છે. સૂત્રના મતે, ‘આ ફિલ્‍ટર ખૂબ સસ્‍તું અને હાથમાં રહી શકે તેવું હશે. ટ્રાવેલિંગ વખતે ઘણીવાર પીવાનું પાણી ચોખ્‍ખું હશે કે નહીં તેવા પ્રશ્નો ઉદ્વવતા હોય છે. એવામાં આ ફિલ્‍ટર સાથે લઈ જઈ શકાશે.

(10:58 am IST)