Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

લોકસભા ચૂંટણી પહેલા ખોલાશે ત્રણ કરોડ જનધન ખાતા

૩ કરોડ ખાતાધારકોને ‘રૂપે કાર્ડ' આપવાનું લક્ષ્ય

નવી દિલ્‍હી, તા. ૨૯ :. ૨૦૧૯ની ચૂંટણી પહેલા ‘પ્રધાનમંત્રી જનધન યોજના' માટે એક તેજ અભિયાન ચાલશે. જેના હેઠળ ત્રણ કરોડ નવા બેંક ખાતાઓ ખોલાશે. ચાલુ નાણાકીય વર્ષના બાકી બચેલા ૬ મહિનામાં લગભગ એટલા જ લોકોને ‘રૂપે કાર્ડ' પણ આપવામાં આવશે સરકારી બેંકોએ આટલા વ્‍યાપક સ્‍તરે બેંક ખાતાઓ ખોલવા માટે કમરકસી લીધી છે.  હાલમાં કેન્‍દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ સરકારી બેંકોના કામકાજની સમીક્ષા કરી ત્‍યારે બેંકોના ઉચ્‍ચ અધિકારીઓએ આ બાબતે પોતાની કાર્યપદ્ધતિનું વિવરણ આપ્‍યુ હતું.

સૂત્રોએ કહ્યુ કે પ્રધાનમંત્રી ધનધન યોજના હેઠળ જે ખાતાઓ નિષ્‍ક્રીય પડયા છે તેમને પણ ચાલુ કરવા માટે વ્‍યાપક રૂપે અભિયાન ચલાવવામાં આવશે. ખાતાધારકોને ઓવરડ્રાફટની સગવડ અંગે પણ જાગૃત કરાશે. જે ગરીબો વીમા યોજનાનો લાભ નથી મેળવી શકયા તેમને પણ ‘પ્રધાનમંત્રી જીવન જ્‍યોતિ વિમા યોજના' અને ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના'ના દાયરામાં લેવાશે.

‘પ્રધાનમંત્રી જનધન યોજના'ની શરૂઆત ૨૮ ઓગષ્‍ટ ૨૦૧૪ના થઈ હતી. ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૧૮ સુધીમાં આ યોજના હેઠળ ૩૨.૬૮ કરોડ બેંક ખાતાઓ ખોલાઈ ચૂકયા છે અને તેમા ૮૨ હજાર કરોડ રૂપિયા જમા છે. આ ઉપરાંત ૨૪.૫૭ કરોડ લોકોને ‘રૂપે કાર્ડ' પણ મળી ચૂકયુ છે. હાલમાં સરકારે આ યોજના ચાર વર્ષ પૂર્ણ થવાના મોકા ઉપર બે મહત્‍વપૂર્ણ નિર્ણયો લીધા હતા. પહેલો નિર્ણય એ હતો કે આ યોજના હેઠળ દરેક પરિવારની જગ્‍યાએ દરેક વ્‍યકિતનું ખાતુ ખોલાશે. બીજો નિર્ણય ઓવરડ્રાફટની સુવિધા ૫૦૦૦થી વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરવાનો હતો. ખાતાધારકોએ ઓવરડ્રાફટની સગવડનો ઉપયોગ કરતી વખતે બે હજાર રૂપિયા પોતાના ખાતામાંથી ઉપાડવા માટે કોઈ પણ શરતનું પાલન નહીં કરવુ પડે. પહેલા ઓવરડ્રાફટની સગવડ ૧૮થી ૬૦ વર્ષ સુધીના ખાતાધારકોને મળતી હતી. હવે ૬૫ વર્ષની ઉંમર સુધીના ખાતાધારકોને પણ આ સગવડ મળશે.

 

(11:02 am IST)