Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

4000 કરોડના ખર્ચે શિવોકથી સિક્કિમ સુધી 45કી,મી,ની રેલવે લાઇન નંખાશે: 86 ટકા ભાગ સુરંગમાંથી પસાર થશે

રેલવે લાઈનથી સિક્કિમને સમગ્ર ભારત સાથે જોડશે :મુસાફરીનો સમય ઘટશે : ઇકો સિસ્ટમને ઓછામાં ઓછું નુકશાન થશે

નવી દિલ્હી : ભારતીય રેલવે શિવોકથી સિક્કિમ સુધી રેલવે લાઇન નાખશે ચીનની સીમાએ આવેલ સિક્કિમમાં આ રેલવે લાઇન ખુબ જ મહત્વની મનાય છે ચીનનો પડકાર અને ડોકલામમાં ચીનની મનમાનીનો જવાબ આપવા માટે શિવોકથી સિક્કિમ વચ્ચે રેલવે લાઇન ખુબ જ મહત્વની છે. આ રેલવે લાઇનથી સ્થાનિક લોકો અને ભારતીય આર્મીને ખુબ જ ફાયદો થશે.

    શિવોક-રંગપો રેલવે લાઇન સિક્કિમને રેલવે લાઇનથી સમગ્ર ભારત સાથે જોડનારી હશે. ન્યૂ જલપાઇગુડી-અલીપુરદ્વાર-ગુવાહાટી રેલ લાઇન પર શિવોક સ્ટેશન આવેલુ છે. આ સ્ટેશન ન્યૂ જલપાઇગુડીથી 35 કિમી દૂર છે જ્યારે રંગપો સ્ટોશન સિક્કિમની સરહદ પર આવેલું છે.

    હાલ સિક્કિમ રાજ્ય માત્ર રસ્તાના માધ્યમથી જોડાયેલું છે. અહીં રાષ્ટ્રીય રાજમાર્ગ 10/31A થઇને પસાર થાય છે. આ ખુબ જ દુર્ગમ વિસ્તાર છે અને ચોમાસામાં અહીં અવાર-નવાર લેન્ડ સ્લાઇડિંગ થાય છે, જેના કારણે રસ્તાઓ બંધ થઇ જાય છે. હવે રેલવે લાઇનથી આ વિસ્તારના લોકોને ખુબ જ ફાયદો થશે અને ટૂરિઝમને પણ વેગ મળશે

   અંદાજે 45 કિમીની આ રેલવે લાઇનનો 86 ટકા ભાગ સુરંગમાંથી થઇને પસાર થશે. એટલે કે રેલવે લાઇન બનાવવાથી સિક્કમીની ઇકો સિસ્ટમને ઓછામાં ઓછું નુકશાન થશે. આ રૂટ પર 41 કિમીથી વધુ રેલવે લાઇન પશ્ચિમ બંગાળમાં જ્યારે 4 કિમીથી ઓછું સિક્કિમમાં હશે. આ રૂટ પર 14 સુરંગ જ્યારે 24 નાના-મોટા પુલ હશે. રેલવે આ પ્રોજેક્ટ પર 4000 કરોડથી વધુ ખર્ચ કરવા જઇ રહ્યું છે. શિવોકથી રંગપો વચ્ચે ટ્રેનની મુસાફરી 2 કલાકથી પણ ઓછી થશે. રંગપોથી સડક રસ્તાથી ગંગટોક સુધી એક કલાકમાં પહોંચી શકાશે

(1:00 am IST)