Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

દિપા મલિક-બજરંગ પુનિયાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

કબડ્ડી પ્લેયર અજય ઠાકુર સહિત 19 પ્લેયર્સને અર્જુન એવોર્ડ એનાયત

 

નવી દિલ્હી : ભારતનું નામ રોશન કરનારા અને પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારા દીપા મલિક અને રેસલર બજરંગ પુનિયાને રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેના રોજ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બજરંગ પૂનિયાએ એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીપા મલિક અને બજરંગ પૂનિયા સિવાય કબડ્ડી પ્લેયર અજય ઠાકુર સહિત 19 પ્લેયર્સને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

48 વર્ષીય દીપાએ 2016માં રિયો પેરાલિમ્પિક્સમાં શોટ પુટની એફ -53 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નિવૃત્ત જજ એમ શર્માના નેતૃત્વમાં 12 સભ્યોની કમિટી દ્વારા વિજેતાઓના નામની ઘોષણા કરવામાં આવી હતી. સમિતિએ અર્જુન એવોર્ડ માટે 19 ખેલાડીઓની પસંદગી કરી છે જેમાં સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પૂનમ યાદવ, ફૂટબોલર ગુરપ્રીત સિંઘ સંધુ, હોકી પ્લેયર સી. સિંઘ કંગજુમ અને શૂટર અંજુમ મુડગિલ,ટ્રેક અને ફિલ્ડ સ્ટાર્સ તેજીંદર પાલ સિંઘ તૂર, મોહમ્મદ અનસ, સ્વપ્ના બર્મનનો સમાવેશ કરાયો છે. એવોર્ડ માટે ખેલાડીમાં રમતગમત ઉપરાંત નેતૃત્વ ક્ષમતા, શિસ્ત અને ખેલ ભાવનાનું પરીક્ષણ કરવામાં આવે છે.

એથ્લેટિક્સના કોચ મોહિન્દર સિંહ ધીલ્લો, બેડમિંટન કોચ વિમલ કુમાર અને ટેબલ ટેનિસ કોચ સંદીપ ગુપ્તાને દ્રોણાચાર્ય એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. હોકીના મેજબાન પટેલ, રામબીરસિંહ ખોખર (કબડ્ડી) અને સંજય ભારદ્વાજ (ક્રિકેટ) ને લાઇફ ટાઇમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

(10:59 pm IST)