Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વૈજ્ઞાનિકોએ બનાવ્યું કૃત્રિમ બટરઃ તેને ખાવાથી નહીં વધે ચરબી

૮૦ ટકા પાણી અને ૨૦ ટકા તેલમાંથી બનાવ્યું છે તે બટર જેવું જ છેઃ જે મોંમાં જતા જ માખણ જેવું જ લાગશેઃ તેમાં એવી જ રીતે ક્રીમ છે

નવી દિલ્હી, તા.૨૯: તહેવારોમાં અચાનક મીઠાઇઓ અને  દૂધમાંથી બનાવેલા ખોરાકની માંગ ખૂબ જ વધતી જાય છે. આ સમયે બજારમાં નકલી માવો, નકલી બટર અને દૂધ પણ મળવા લાગે છે. આ બધું ગેર કાનૂની હોવા છતાં માર્કેટમાં વેચાણ થાય જ છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ એક એવો પદાર્થ બનાવ્યો છે, જેનાથી ભવિષ્યમાં નકલી ચીજોના વેચાણ પર વિરામ મૂકાઈ શકે છે.

મેટિરીયલ એન્ડ ઇન્ટરફેસિસ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, અમેરિકાના ન્યુ યોર્કમાં સ્થિત કાઙ્ખર્નેલ યુનિવર્સિટીના ફુડ વૈજ્ઞાનિકોએ એક એવું બટર બનાવ્યું છે જેમ ખૂબ જ ઓછી કેલરી હોય છે. અને તે લગભગ સંપૂર્ણ પાણીથી બનેલું છે. તમે તેને આર્ટિફિશિયલ બટર પણ કહી શકો છો.

આ એક ચમચી આર્ટિફિશિયલ બટરમાં ૨.૮ ગ્રામ ફેટ અને ૨૫.૨ કેલરી છે. અન્ય સામાન્ય બટરની એટલી જ માત્રામાં ૧૧ ગ્રામ ફેટ અને ૧૦૦ કેલરી હોય છે. તેમાં ૮૪ ટકા ફેટ અને ૧ ટકા પાણી હોય છે. જયારે આ નવા પ્રકારના બટરમાં ૮૦ ટકા પાણી અને ૨૦ ટકા તેલ રહેલું છે.

કોર્નેલ યુનિવર્સિટીના ફૂડ વિભાગમાં પ્રોફેસર એલિરેજા અબ્બાસપોર્ડે કહ્યું, 'તમે કલ્પના કરી શકો છો કે ૮૦ ટકા પાણી અને ૨૦ ટકા તેલમાંથી અમે કંઈક બનાવ્યું છે તે બટર જેવું જ છે. જે મોં માં જતા જ માખણ જેનું જ લાગશે. તેમાં એવી જ રીતે ક્રીમ છે.

પ્રોફેસર એલિરેજા અનુસાર HIPE ટેકિનકની મદદથી પાણી અને તેલને ભેળવ્યું. પાણીને તેલમાં ત્યાં સુધી ભેળવ્યું જયાં સુધી પાણી અને તેલ બંનેનો અનુપાત ૮૦ અને ૨૦ ન થઈ જાય.

શોધકર્તાઓમાં સમાવિષ્ટ માઈકલ સી લી અનુસાર આરોગ્ય પ્રત્યેની વધતી જાગરૂકતાના કારણે ઓછી ફેટ અને પ્રોટીન વાળા ખાદ્ય પદાર્થોની માંગ ઝડપી વધી રહી છે.

(3:41 pm IST)