Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

૩૭૦ હટ્યા પહેલાની જમ્મુ-કાશ્મીરની નોંધપાત્ર બાબતો

હૈદ્રાબાદની નાલસાર કાયદા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. ફૈઝાન મુસ્તફાએ કરણ થાપર સાથેના ઈન્ટરવ્યુમાં કહી આ વાતો

હૈદ્રાબાદઃ હૈદ્રાબાદની નાલસાર કાયદા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. ફૈઝાન મુસ્તફાએ કરણ થાપર સાથેના એક ઈન્ટરવ્યુમાં ૫ ઓગષ્ટ ૨૦૧૯ પહેલાની કેટલીક નોંધપાત્ર બાબતો જણાવી હતી.

(૧) જમ્મુ-કાશ્મીરમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદો દેશના આવા જ કાયદા કરતા વધારે વિસ્તૃત અને કડક હતો.

(૨) ભારતમાં રાઈટ ટુ એજ્યુકેશન ૬ થી ૧૪ વર્ષની ઉંમર માટે જ અમલી છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં તે ગ્રેજ્યુએશન સુધી હતો.

(૩) જમ્મુ-કાશ્મીરમાં શરીયત કરતા સ્થાનિક રીતરિવાજોને વધારે મહત્વ અપાતુ હતુ એટલે કે ધર્મ કરતા સંસ્કૃતિ વધારે કિંમતી હતી.

(૪) તે બે દેશો વચ્ચેનું જોડાણ હતુ વિલય નહોતો, એટલે કે બે સાર્વભૌમ રાજ્યો વચ્ચેનું એક એગ્રીમેન્ટ હતું.

(૫) નાગાલેન્ડને પણ આવા કેટલાક ખાસ બંધારણીય હક્કો અપાયા છે. ભારતીય કાયદાના સુધારાને ત્યાંની જીલ્લા પરિષદ પણ નકારી શકે છે.

(૬) કાશ્મીરમાં દિકરીઓને મિલ્કતના હક્કનો કાયદો ભારતની મુસ્લિમ પુત્રીઓ કરતા વધારે વિકાસશીલ છે.

(૭) કાશ્મીરી મુસ્લિમોમાં મેરેજ રજીસ્ટ્રેશન ફરજીયાત છે જ્યારે ભારતીય મુસ્લિમો માટે તે ફરજીયાત નથી.

(૮) જમ્મુ કાશ્મીરમાં જાહેર વિતરણ પ્રણાલીમાં ભારતના અન્ય રાજ્યો કરતા બહુ ઓછી ખામીઓ છે.

(૯) માન્યતાઓ ભલે ગમે તેવી ફેલાયેલી હોય પણ અહીંયા એસ.સી.-એસ.ટી. અનામત અમલમાં હતુ જ. ઉપરાંત ભારતીય અનામત પ્રથા કરતા વસ્તીના પ્રમાણમાં તે વધારે સારૂ હતું.

(૧૦) ૩૭૦મી કલમમાં આમ જુઓ તો એવું કંઈ વધારે નહોતુ પણ તેની માનસિક કિંમત કાશ્મીરી પ્રજા માટે વધારે હતી.

(૧૧) નવી પરિસ્થિતિમાં કેન્દ્ર ત્યાં રાષ્ટ્રપતિ શાસન ત્રણ વર્ષથી વધારે સમય માટે નહીં રાખી શકે પહેલા તે ૭ વર્ષ સુધી રાખી શકાતુ હતું.

(3:25 pm IST)