Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

શનિવારે વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો,રીપીટ નહિ તો ફરી રાજકીય ધૂબાકો ?

'અનુકુળ' કામગીરીને ધ્યાને લઈને રાજ્યપાલ તરીકે વધુ એક તક મળવાની સંભાવના : મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાનના રાજ્યપાલની મુદત પણ પૂરી થવાના આરે

રાજકોટ, તા. ૨૯ :. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનો પાંચ વર્ષનો કાર્યકાળ તા. ૩૧મીએ પુરો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર તેમની બાબતે શું નિર્ણય લ્યે છે ? તે એક-બે દિવસમાં જ સ્પષ્ટ થઈ જશે. તેઓ કેન્દ્રીય નેતાગીરીની ગુડબુકમાં છે તેથી તેમને કર્ણાટકમાં જ અથવા અન્ય રાજ્યમાં ફરી રાજ્યપાલ તરીકે તક મળે તેવી સંભાવના પ્રબળ છે. જો તેમને બંધારણીય જવાબદારીમાંથી મુકત કરવામાં આવે તો તેઓ ફરી રાજકોટ સ્થાયી થઈ રાજકારણમાં સક્રિય થાય તેવી સંભાવના નકારાતી નથી.

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રાવ, રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ અને ગોવાના રાજ્યપાલ મૃદુલાસિંહાની મુદત પણ આ અઠવાડીયામાં જ પૂર્ણ થઈ રહી છે. કેન્દ્ર સરકારે ચાર-પાંચ નવા રાજ્યપાલોની નિમણૂક કરવાની વેળા આવી છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાજકોટના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ વજુભાઈ તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૪થી કર્ણાટકના રાજ્યપાલ તરીકે કાર્યરત છે. તેમની કામગીરીની કદરરૂપે ફરી તેમને કર્ણાટક અથવા અન્ય રાજ્યમાં રાજ્યપાલ તરીકે તક આપવામાં આવે તેવી શકયતા બળવાન છે. કેન્દ્ર સરકાર અન્ય કોઈ પદ પર પણ તેમની નિમણૂક કરી શકે છે.

ગુજરાતમાંથી આનંદીબેન પટેલ અને વજુભાઈ વાળા રાજ્યપાલ પદે છે. આનંદીબેને પ્રથમ દોઢ વર્ષ મધ્ય પ્રદેશમાં રાજ્યપાલ તરીકે કામ કર્યા બાદ ગયા મહિને તેમને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. વજુભાઈ અંગેના નિર્ણય તરફ તેમના શુભેચ્છકોની મીટ છે.

(1:15 pm IST)