Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સ્ટર્લિગ બાયોટેક કેસ

અહેમદ પટેલના પુત્ર ફૈઝલની ED આજે પુછપરછ કરશે

નવી દિલ્હી, તા.૨૯: કોંગ્રેસ નેતા અને રાજય સભા સાંસદ અહમદ પટેલના પુત્ર ફેઝલ પટેલને પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)એ સમન પાઠવી આજે રજૂ થવા માટે કહ્યું છે. સ્ટર્લિંગ બાયોટેક છેતરપિંડી મામલામાં તેમનું નિવેદન રેકોર્ડ કરવામાં આવશે. આ ત્રીજી વખત છે જયારે આ મામલામાં ફેઝલ પટેલની પૂછપરછ થશે. આ પહેલા અહમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દકીની આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, જૂનમાં પ્રવર્તન નિર્દેશાલયે સ્ટર્લિંગ બાયોટેક છેતરપિંડી મામલામાં ૯ હજાર કરોડથી વધારે સંપત્તિ જપ્ત કરી હતી. સ્ટર્લિંગ બાયોટેક ગુજરાતની એક ફાર્માસ્યૂટિકલ કંપની છે. આરોપ છે કે, કંપનીએ ૧૪૫૦૦ કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું છે.

સીબીઆઈએ ઓકટોબર ૨૦૧૭માં સ્ટર્લિંગ બાયોટેકના નિર્દેશકો નિતિન સંદેસરા, ચેતન સંદેસરા અને દિપ્તી સંદેસરા વિરુદ્ઘ ૫૩૮૩ કરોડ રૂપિયાનો ફ્રોડ કેસ નોંધ્યો હતો. તેના આધાર પર જ ઈડીએ પણ મામલો નોંધ્યો હતો.

અધિકારીઓ અનુસાર, સ્ટર્લિંગ બાયોટેકે આંધ્ર બેન્કની આગેવાનીવાળી બેન્કોના સમૂહ પાસેથી ૫૦૦૦ કરોડની લોન લીધી હતી. કંપની દ્વારા લોન ન ચુકવવાથી આ એનપીએમાં ફેરવાઈ ગઈ. આ દેવાની કુલ કિંમત ૮૧૦૦ કરોડને પાર આંકવામાં આવી છે. ઈડીએ સીબીઆઈની ચાર્જશીટના આધારે સ્ટર્લિંગ બાયોટેક પર છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

(11:28 am IST)