Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ગોલ્ડ માર્કેટમાં ઉછાળો આવ્યો પરંતુ જુનું સોનું વેચવા જનારને પુરા ભાવ મળતા નથી

બજારભાવ કરતા પાંચથી સાત ટકા નીચા ભાવથી થતી ખરીદીઃ સતત વધતા ભાવના કારણે સોના-ચાંદીના દાગીનાની ખરીદીમાં ઘટાડો

મુંબઇ તા ૨૯  :  થોડા અરસામાં સોનાના ભાવમાં ભડકો થયો છે. સોનાનો ભાવ પ્રતિ તોલા રૂપિયા ૪૦,૦૦૦/-ની સપાટીને સ્પર્શી પરત આવ્યો છે. સોનાના ભાવમાં ગરમાટાએ સોના-ચાંદીની ખરીદીમાં ઠંડક લાવી દીધી છે. જયારે સોનું વેચનારાઓનું પ્રમાણ વધ્યું છે, પરંતુ તેઓને બજારભાાવ મુજબના યોગ્ય ભાવી મળી રહ્યા નથી.

છેલ્લા બે મહિના દરમિયાન સોનાના ભાવમાં આગઝરતી તેજી જોવાઇ છે. ખુબજ ટુંકા ગાળામાં સોનાના ભાવ રૂપિયા ૩૫૦૦૦ અને ૪૦૦૦૦ની સપાટી વટાવી ચુકયા છે. ચાલુ સપ્તાહે સોનાનો ભાવ રૂપિયા ૪૦,૦૦૦ની સપાટીએ પહોંચી પરત ફર્યો છે. બુધવારના રોજ સોનું રૂપિયા ૩૯૨૦૬ની સપાટી આસપાસ રહ્યો હતો. જાણકારો મુજબ, સતત વધી રહેલા ભાવના કારણે સોના-ચાંદી બજારમાં ખરીદી મંદ પડી ગઇ છે. ખુબજ જરૂરિયાતના કિસ્સામાં દાગીનાની ખરીદી કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતીને કારણે જવેલર્સને ત્યાં ખરીદીનું પ્રમાણ નીચું ગયું છે.

બીજી તરફ ઊંચા ભાવને કારણે ઇન્વેસ્ટર્સ પ્રોફિટ બુકિંગનો લાભ મેળવી રહ્યા છે, જયારે ઘણાં દ્વારા જૂનુ સોનું કાઢવામાં આવી રહ્યું છે, પરંતુ આ સાથે કેટલાક સ્થળોએ ગ્રાહકોને જૂના સોનાના બજારભાવ કરતા ઓછી કિંમત ઓફર થઇ રહી છે. લગભગ પાંચથી સાત ટકા ઓછા ભાવથી જૂનું સોનું ડિમાન્ડ થઇ રહ્યું છે. આ સંજોગોમાં લોકોને પુરતા બજારભાવ મળતો નથી. જેને લઇને ગ્રાહકમાં નારાજગી પ્રવર્તે છે.

બજાર સાથે સંકળાયેલાઓ મુજબ, હંમેશથી આ પ્રકારની જ પ્રેકટિસ રહી છે. ખાસ કરીને આ તેજીના માર્કેટમાં સોનાની ખરીદી ઘટી છે. બીજી તરફ માર્કેટમાં અચોક્કસતા રહે છે. આ સંજોગોમાં ઊંચા ભાવથી સોનું ખરીદવામાં સાવચેતી રાખવામાં આવે છે અને તેથી કેટલાક દ્વારા ઓછા ભાવ ઓફર થાય છે. જો કે જવેલર્સ એસોસિએશનના માજી પ્રમુખ તુષાર ચોકસીના જણાવ્યા મુજબ જાણીતા જવેલર્સ તેમના શો-રૂમ પરથી વેચાણ થયેલું સોનું બજારભાવથી જ પરત મેળવે છે. જેઓ દ્વારા જૂનું સોનું ખરીદ કરવામાં આવતું  નથી.  શકય છે કે, રિટઇલ માર્કેટમાં જૂનું સોનું ખરીદનારા દ્વારા ઓછા ભાવ ઓફર થતા હોય, પરંતુ તે અંગે માહીતી નથી.

(11:22 am IST)