Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વડાપ્રધાનની પ્રધાનોને સલાહ

મંત્રાલયમાં સંબંધીઓની નિયુકતી ન કરો જે કામ થઇ શકે એવા જ દાવા કરો

નવી દિલ્હી, તા.૨૯: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બુધવારના રોજ પોતાના મંત્રીપરિષદના સભ્યોને નિર્દેશ આપ્યો કે તેઓ એવા દાવા કરે જે પૂરા થઇ શકે અને મંત્રાલયોમાં સલાહકારોની ભૂમિકામાં પોતાના સંબંધીઓની નિમણૂક ના કરે. સૂત્રોએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકની અધ્યક્ષતા કરતાં મોદીએ મીડિયા અને જાહેરમાં બિનજરૂરી ટિપ્પણીઓનો હવાલો આપ્યો અને મંત્રીઓને સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ માત્ર તથ્યોને બતાવે કે એવા દાવાઓ કરે જે સ્થાપિત થઇ શકે. મંત્રીપરિષદની બેઠકમાં જમ્મુ-કાશ્મીરીની સ્થિતિ પર પણ ચર્ચા થઇ. પ્રધાનમંત્રીએ મંત્રીઓને જમ્મુ-કાશ્મીર માટે યોજનાઓ અને પ્રોજેકટો પર કામ કરવાનું કહ્યું. સૂત્રોના મતે આવનારા થોડાંક દિવસોમાં જમ્મુ-કાશ્મીર માટે કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કરી શકે છે.

વડાપ્રધાને મંત્રીઓને એમ પણ કહ્યું કે તેઓ પોતાના સંબંધિત મંત્રાલયોમાં કે વિભાગોમાં સલાહકારોની ભૂમિકામાં પોતાના સંબંધોઓની નિમણૂક ના કરે. શાસનની 'ગતિ'અને 'દિશા'માં સુધારા કરવા માટે મોદીએ કહ્યું કે કેબિનેટ મંત્રીઓ અને રાજય મંત્રીઓની વચ્ચે શ્રેષ્ઠ સમન્વય થવો જોઇએ. તેમણે મંત્રીઓને કહ્યું કે તેમનો સંવાદ પોતાના મંત્રાલયોના સચિવો જેવાકે ટોચના અધિકારીઓ સુધી સીમિત હોવો જોઇએ નહીં. તેમનો સંવાદ પદક્રમમાં અપેક્ષાકૃત નીચલા સ્તરના અધિકારીઓ જેવાકે સંયુકત સચિવો, નિર્દેશકો, ઉપ સચિવો સાથે પણ થવો જોઇએ જેથી કરીને આ અધિકારીઓને લાગે કે તેઓ પણ ટીમનો હિસ્સો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે મંત્રીઓએ અધિકારીઓને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરવા જોઇએ. વડાપ્રધાને કહ્યું કે મંત્રીઓએ સવારે સાડા નવ વાગ્યે ઓફિસ પહોંચવું જોઇએ અને કેટલાંક મંત્રીઓને તેમના નિર્દેશ પર ધ્યાન આપવું જરૂરી છે અને તેમણે એમ કરવું જોઇએ. મોદીએ કહ્યું કે તેમણે કેટલીય વખત પોતાના કેબિનેટ સહયોગીઓને અનુશાસન, સમયની પાબંદી અને કામ કરવાની પ્રતિબદ્ઘતાના સંદર્ભમાં નેતૃત્વ કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે ટોચના મંત્રી સમયની પાબંદી કરશે તો તેની સકારાત્મક અસર તેમના સંબંધિત મંત્રાલયોની રચનાત્મકતા અને દક્ષતા પર અને સમુચી સરકારના કામકાજ પર પણ પડશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જમ્મુ-કાશ્મીરના વિકાસ પર જોર આપતા બુધવારના રોજ કેન્દ્રીય મંત્રીઓને ક્ષેત્ર માટે યોજનાઓ અને પ્રોજેકટો પર કામ કરવા માટે કહ્યું. મોદીએ તેની સાથે જ રાજયના એ અધિકારીઓ અને વિદ્યાર્થીઓની સાથે સંવાદ કાયમ કરવાનું પણ આહ્વાન કર્યું જે હાલના સમયમાં દેશના વિભિન્ન હિસ્સામાં રહે છે.(૨૩.૩)

(10:02 am IST)