Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અમેરિકામાં FIA ના ઉપક્રમે શાનભેર ઉજવાઇ ગયેલો ભારતનો ૭ર મો સ્‍વાતંત્ર્ય દિનઃ ૧૯ ઓગ. ના રોજ ન્‍યુયોર્કમાં નીકળેલી ‘‘ઇન્‍ડિયા ડે પરેડ'' માં ૧ લાખ પ૦ હજાર લોકો જોડાયાઃ ભારતની સંસ્‍કૃતિના દર્શન કરાવતા ૪૦ ફલોટસ તથા પ૦ ફલેગ માર્ચ ગૃપએ ભારત માતાકી જય, તથા વંદે માતરમના નાદ સાથે વિવિધતામાં એકતાના દર્શન કરાવ્‍યા :

(દિપ્તીબેન જાની દ્વારા)  ન્‍યુજર્સી : યુ.એસ.માં  ન્‍યુયોર્ક ન્‍યુજર્સી તથા કનેકટીકર ત્રિસ્‍ટેટના સૌથી મોટા ગણાતા નોન પ્રોફિટ ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન્‍શ (FIA)  ના ઉપક્રમે ૧૯ ઓગ. ર૦૧૮ રવિવારના રોજ ભારતના ૭ર માં સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.

સતત ૩૮ માં વર્ષે  FIA દ્વારા ન્‍યુયોર્કમાં કરાયેલી આ ઉજવણીમાં ૧ લાખ  પ૦ હજાર જેટલા લોકો જોડાયા હતા.  જે ભારત બહાર કરાતી ઉજવણીમાં સૌથી મોટી સંખ્‍યા છે.

આ દિવસે ‘ઇન્‍ડિયા ડે પરેડ' નું આયોજન થાય છે. જેમાં વંદે માતરમ, ભારત માતાકી જય, જયહિંદ સહિતના નારાઓ  સાથે ૪૦ ફલોટસ  તથા પ૦ ફલેગ માર્ચ ગૃપ જોડાયા હતા. જે ભારતની વૈદિક સંસ્‍કૃતિનું  નિદર્શન કરાવતા હતા. તથા વિવિધતામા એકતા સમાન હતા.

આ ઇન્‍ડિયા ડે પરેડ માં અગ્રણી કલાકારો, રાજકિય આગેવાનો, સહિતના મહાનુભાવો જોડાયા હતા. જેમાં ગ્રાન્‍ડ માર્શલ તરીકે કમલ હસન, ચિફ ગેસ્‍ટ તરીકે પદમશ્રી કૈલાસ ખેર  તથા ગેસ્‍ટ ઓફ ઓનર તરીકે કમલ હસનની પુત્રી શ્રુતિ હસન, સુપ્રસિદ્ધ અભિનેતા પદમભૂષણ શ્રી અનુપમ ખેર, ક્રિકેટર સર વિવિયન રિચાર્ડ, ગાયક મિકી સિંઘ, શિબાની કશ્‍યપ, ડીઝાઇનર રોઝી આહલુવાલિયા, તથા સ્‍કાઇ ડ્રાઇવર પદમશ્રી સ્‍મિતા મહાજન સહિતનાઓનો સમાવેશ થતો હતો. ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી  સંદીપ ચક્રવર્તી પરેડમાં  માર્ગદર્શન આપી રહ્યા હતાં. ઉપરાંત  FIA કમિટિ મેમ્‍બર્સ, વતનપ્રેમી ઇન્‍ડિયન અમેરિકન્‍સ, આમંત્રિતો તથા કોમ્‍યુનીટી અગ્રણીઓ આ પરેડમાં જોડાયા હતા.

પરેડના રૂટમાં ફુડ સ્‍ટોલ, જવેલરી સ્‍ટોલ, કલોથ સ્‍ટોલ, હેન્ના મેંદી વિગેરે સ્‍ટોલએ આકર્ષણ જગાડયું હતુ. પરેડના અંતે  સાંસ્‍કૃતિક  તથા મનોરંજન કાર્યક્રમો યોજાયા હતાં જેમાં જુદી જુદી સ્‍કૂલોના વિધાર્થીઓ જોડાયા હતા. તથા ગાયકો અને સંગતકારોએ  દેશભકિત સભર ગીતોની રમઝટ બોલાવી હતી. શ્રુતિ હસન તેના  સૌંદર્ય અને તેની કલાના કારણે આકર્ષણનું કેન્‍દ્ર બની હતી. જુદા જુદા ૩૦ જેટલા ગૃપ  તથા તેના કલાકારોએ વિવિધ ડાન્‍સ તથા નૃત્‍યો પેશ કરી ઉપસ્‍થિતોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.

FIA  પ્રેસિડન્‍ટ શ્રી સૃજલ પરિખના માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્‍બર્સ  તથા વોલન્‍ટીઅર ભાઇ બહેનોએ ઉજવણીને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા ભારે જહેમત ઉઠાવી હતી તેવું સુશ્રી નિકેતા વ્‍યાસના અહેવાલ દ્વારા શ્રી નિશિલ પરીખની યાદીમાં જણાવાયું છે.

(10:10 pm IST)