Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

પોલીસ ટુકડી ઉપર આતંકવાદી હુમલો : ચાર જવાન શહીદ થયા

જમ્મુ કાશ્મીરના શોપિયન જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર કરાયો : આતંકવાદી સુરક્ષા દળોના હથિયારો આંચકીને ફરાર થયા : એસ્કોર્ટ પાર્ટી ઉપર કરાયેલા હુમલા બાદ મોટુ સર્ચ ઓપરેશન : ત્રાસવાદીઓની શોધખોળ

શ્રીનગર, તા. ૨૯ : જમ્મુ કાશ્મીરના સોપિયન જિલ્લામાં અરહામા ગામમાં પોલીસ ટીમ ઉપર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં ચાર પોલીસ જવાનો શહીદ થયા હોવાના અહેવાલ મળ્યા છે. આતંકવાદીઓ સુરક્ષા દળો પાસેથી હથિયાર આંચકીને ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. જમ્મુ કાશ્મીર પોલીસે હુમલાને સમર્થન આપતા કહ્યું છે કે, ત્રાસવાદીઓએ એસ્કોર્ટ પાર્ટી ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.  હુમલામાં ચાર પોલીસ જવાનો ગંભીરરીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા જવાનોને તાત્કાલિક રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચારેય જવાનોના મોત થયા હતા. એસ્કોર્ટ પાર્ટી આ વિસ્તારમાં પોલીસ વાહનને રિપેર કરવા માટે પહોંચી હતી. સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્રાસવાદીની કમર તુટી ગઈ હોવા છતાં સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને  હુમલા કરવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં અગાઉ રવિવારે ૨૬મી ઓગષ્ટના દિવસે મોટી સફળતા હાથ લાગી હતી. જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લાના હેન્ડવારા વિસ્તારમાં સવારે અથડામણ બાદ ચાર ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ ત્રાસવાદીઓ નવા આતંકવાદી સંગઠનમાં હાલમાં જ ભરતી થયા હતા અને એલઓસી પાર કરીને પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યા હતા. સેનાને માહિતી મળ્યા બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચાર નવા ભરતી કરવામાં આવેલા ત્રાસવાદી અલબદરના ત્રણ ત્રાસવાદીઓની સૂચના હેઠળ એલઓસી પાર કરવાની યોજના બનાવી રહ્યા હતા. માહિતી મળ્યા બાદ સેના અને પોલીસે મોટુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ગાળા દરમિયાન ત્રાસવાદીઓને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યા હતા. છુપાયેલા ત્રાસવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો પરંતુ આ ત્રાસવાદીઓ ફરાર થઇ શક્યા ન હતા. ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોટાપ્રમાણમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. અથડામણ બાદ સુરક્ષા દળોએ શરણાગતિ સ્વીકારવા માટે ત્રાસવાદીઓને કહ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં હાલમાં સુરક્ષા દળો દ્વારા આક્રમક કાર્યવાહીનો દોર જારી રાખવામાં આવ્યો છે જેના ભાગરુપે આ વર્ષમાં જ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ ફુંકાઈ ચુક્યા છે. સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનને હાલમાં જારી રાખવામાં આવે તેવી શક્યતા છે. જમ્મુ કાશ્મીરમાં હાલ ગવર્નર શાસન છે. ત્રાસવાદી ગતિવિધિ વધી ગયા બાદ ટિકા ટિપ્પણીના દોર વચ્ચે થોડાક સમય પહેલા જ ભાજપે મહેબુબા સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો જેના લીધે મહેબુબા સરકારનું પતન થયું હતું. ત્યારબાદ રાજ્યમાં ગવર્નર શાસન લાગૂ કરવામાં આવ્યું છે. આ શાસન હાલમાં ચાલી રહ્યું છે પરંતુ ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ યથાવતરીતે જારી રાખવામાં આવ્યું છે જેમાં એક પછી એક મોટી સફળતા હાથ લાગી રહી છે પરંતુ ત્રાસવાદીઓ પોતાની હાજરી પુરવાર કરવા નિયમિતરીતે હુમલાઓ કરી રહ્યા છે જેના લીધે અસ્થિરતા અકબંધ રહી છે અને શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોને ફટકો પડી રહ્યો છે.

(7:23 pm IST)