Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

રૂપિયો ઉંધા માથે પછડાયોઃ ડોલર સામે પહોંચ્યો ૭૦.૫૧ ઉપર

ઈતિહાસમાં પહેલીવાર રૂપિયાએ ૭૦.૫૦ની સપાટી વટાવીઃ આજે ૪૦ પૈસા તૂટયોઃ પેટ્રોલ-ડીઝલ મોંઘા થશેઃ મોંઘવારી ફાટીને ધૂમાડે જશે : હજુ વધુ તૂટે તેવી શકયતાઃ નિષ્ણાંતોનો મતઃ ૭૦.૧૦થી ૭૦.૬૦ની રેન્જમાં રહી શકે છે

મુંબઈ, તા. ૨૯ :. ડોલરના મુકાબલે રૂપિયામાં ઐતિહાસિક ધબડકો થયો છે. રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. કરન્સી માર્કેટમાં ટ્રેડીંગ દરમિયાન રૂપિયાએ પહેલીવાર ૭૦.૫૦ની સપાટી વટાવી છે. રૂપિયામાં ૪૨ પૈસાના ઘટાડો નોંધાયો છે. છેલ્લો ભાવ ૪૦ પૈસા ઘટાડા સાથે ૭૦.૫૧ ઉપર પહોંચ્યો છે. ડોલર સામે જે રીતે રૂપિયો તૂટે છે તે જોતા આગામી દિવસોમાં મોંઘવારી ફુંફાડા મારે તેવી શકયતા છે.

ડોલર સામે રૂપિયામાં ઘટાડો ચાલુ છે. આજે ૪૨ પૈસાના ઘટાડા સાથે ૭૦.૫૨ના પોતાના સૌથી નીચલા સ્તર પર રૂપિયો પહોંચ્યો હતો. ડોલરની વધતી ડીમાન્ડ અને વિદેશી ભંડોળની વેચવાલીથી રૂપિયામાં ઘટાડો નોંધાયો છે. બેન્કો અને આયાતકારોની ડોલરની સતત માંગથી રૂપીયો પ્રેસરમાં આવ્યો છે. ક્રૂડના ભાવ વધવાથી ઓઈલ રીફાઈનરીઓ દ્વારા ડોલરની ડીમાન્ડ વધી છે. આજે સવારે જ રૂપિયો ૨૨ પૈસા તૂટીને ૭૦.૩૨ રહ્યો હતો. ગઈકાલે ૭૦.૧૦ પર હતો. બાદમાં તે વધુ તૂટીને આજે ૭૦.૫૨ ઉપર પહોંચ્યો હતો.

નિષ્ણાંતોના મતે ડોલર સામે રૂપિયો આજે ૭૦.૧૦થી ૭૦.૬૦ની રેન્જમાં ટ્રેડીંગ કરી શકે છે. જે રીતે રૂપિયો તૂટે છે તે જોતા આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘા થઈ શકે છે. એટલુ જ નહી ખાવાપીવાની ચીજો નહી પરંતુ બીજી ચીજવસ્તુઓ મોંઘી થશે. ખાદ્ય તેલ પણ મોંઘુ થશે. ઓટો ઈન્ડસ્ટ્રીની કોસ્ટ વધશે. જો કે સૌથી વધુ ફાયદો આઈટી અને ફાર્માની સાથે ઓટોમોબાઈલ સેકટરને થશે.(૨-૨૯)

(3:55 pm IST)