Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

લો બોલો ! પૈસા કે ઘરેણાં નહી, આ ચોરે કરી લાખો રૂપિયાના પ્રોટીનની ચોરી

દુબળા - પાતળા ચોરને બનાવવું હતુ બોડી

નવી દિલ્હી તા. ૨૯ : વાહન, મોબાઈલ, ઘરેણાં, પૈસા, વગેરેની ચોરી વિષે તમે સાંભળ્યું જ હશે પરંતુ અહીં ચોરી થઈ છે પ્રોટીનની. તમને જાણીને નવાઈ લાગશે પણ ૨૦ વર્ષના આ ચોરનું વજન માત્ર ૩૫ કિલો હતું, માટે બોડી બનાવવા માટે તેણે પ્રોટીનની ચોરી કરી.કોઈએ આ ચોરને આઈડિયા આપ્યો કે પ્રોટીન ખરીદી લાવો. આરોપી પોતાના ૩ મિત્રો સાથે જિમ શોપ પહોંચ્યો જયાં પ્રોટીન પાઉડર મળે છે. તેણે શોપ ઓનરના કાન પાછળ બંદૂક મુકીને લાખો રુપિયાની પ્રોટીન બેગ લઈને ફરાર થઈ ગયો. પકડાઈ ન જાય તે માટે દુકાનમાં લાગેલા CCTVની DVR(રેકોર્ડર) પણ સાથે લઈ ગયો.નોર્થ રોહિણી પોલીસે કેસ ફાઈલ કરીને તપાસ શરુ કરી દીધી છે. ઘટના રોહિણી સેકટર-૮ના પ્રોટીન શોપની છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે અંકુશ દુકાનમાં હતો. આ દરમિયાન એક દૂબળો પાતળો આરોપી આવ્યો અને બોડી બનાવવા માટે પાવડર માંગ્યો.અંકુશે સમજાવ્યું કે, આ રીતે પ્રોટીન લેવું નુકસાનકારક છે અને તેણે આરોપીને જિમ ટ્રેનરની સલાહ લેવાનુ કહ્યું. આરોપીએ જીદ કરી પરંતુ અંકુશ પોતાની વાત પર અડી રહ્યો.થોડી વારમાં આરોપી પાછો ફર્યો અને અંકુશને પ્રોટીનની બ્રાન્ડ લખવાનું કહ્યું. જયારે અંકુશ લખવા લાગ્યો તો તેણે અંકુશનો હાથ મરોડ્યો અને કાન પાછળ બંદૂક મુકીને ધમકી આપી. આ દરમિયાન આરોપીના બે મિત્રો દુકાનમાં આવ્યા અને લાખો રૂપિયાના પ્રોટીન પેકેટ અને દવાઓ લઈને ફરાર થઈ ગયા.

(3:53 pm IST)