Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

વોરેન બફેટની ભારતમાં એન્ટ્રી : ખરીદ્યો Paytmમાં હિસ્સો

બર્કશાયર હેથવેનું પેટીએમમાં ૨૫૦૦ કરોડનું રોકાણ

નવી દિલ્હી તા. ૨૯ : દુનિયાના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટની બર્કશાયર હેથવેએ દેશની સૌથી મોટી ડીજિટલ પેમેન્ટ કંપનીમાં ૨૫૦૦ હજાર કરોડનું રોકાણ કર્યું છે. બર્કશાયરને ભારતની આ સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપનીના બોર્ડમાં પણ શામેલ કરવામાં આવી છે. જોકે, બંને કંપનીઓએ આ ડીલ વિશે કોઈ જાણકારી આપી નથી કે ન તો ડીલના આકાર અને ભાગીદારી વિશે કંઈ જણાવ્યું છે.

આ બાબત સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે, બર્કશાયર Paytmમાં ૩૦થી ૩૫ કરોડ ડોલર (આશરે ૨૫૦૦ કરોડ) ઈન્વેસ્ટ કરી રહી છે. તેને કંપનીની ૩-૪ ટકા ભાગીદારી મળી શકે છે. આ રીતે ભારતીય કંપનીનું એસ્ટિમેટ ૧૦ અબજ ડોલર થાય છે. આ રોકાણની સાથે બફેટની રોકાણ કંપની પણ જાપાનની સોફટબેંકની સાથે આવી ગઈ છે. સોફટબેંકે ગત વર્ષે Paytmમાં આશરે ૨૦ ટકા ભાગીદારી ૧.૪ અબજ ડોલર એટલે કે ૯ હજાર કરોડ રૂપિયામાં ખરીદી હતી.

પેટીએમની માલિક કંપની one97 કોમ્યુનિકેશન્સ કંપનીમાં રોકાણ કરનારા અન્ય કેટલાક મુખ્ય ભાગીદારોમાં એન્ટ ફાયનાન્શિયલ અને જેક માની અલીબાબા પણ શામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બર્કશાયરના ઈન્વેન્સ્ટમેન્ટ મેનેજર ટોડ કોમ્બ્સ પેટીએમના બોર્ડમાં શામેલ થયા છે. કોમ્બ્સે કહ્યું કે, 'હું પેટીએમથી પ્રભાવિત છું. હું તેમના વિકાસની વાર્તા સાંભળી ખૂબ રોમાંચિત છું. આ કંપની ભારતમાં પેમેન્ટ અને ફાયનાન્શિયલ સર્વિસિસને બદલવાનું કામ કરી રહી છે.'

પેટીએમના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી વિજય શેખર શર્માએ કહ્યું કે, ફાયનાન્શિયલ સર્વિસ સેકટરમાં બર્કશાયરનો અનુભવ, દીર્ઘાવધિના રોકાણથી પેટીએમના ૫૦ કરોડ ભારતીયોને ફાયનાન્શિયલ રીતે આવરી લઈ મેઈનસ્ટ્રીમની અર્થવ્યવસ્થામાં લાવવામાં મદદ મળશે.(૨૧.૧૧)

(11:37 am IST)