Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

૧૬ મિનિટમાં જ અંતરિક્ષમાં હશે ત્રણ ભારતીય : કઇ રીતે લોન્ચ થશે ગગનયાન?

૨૦૨૨માં લોન્ચ થશે ગગનયાન : ૪૦ મહિનાની અંદર મોકલાશે પ્રથમ હ્યુમન સ્પેસ ફલાઇટ

નવી દિલ્હી તા. ૨૯ : દેશના પ્રથમ હ્યુમન સ્પેસ પ્રોગ્રામ પર જનારા ત્રણ વ્યકિતઓ શ્રીહરિકોટાથી લોન્ચની ફકત ૧૬ મિનિટમાં જ અંતરિક્ષમાં હશે. ઈસરોના ચેરમેન કે. સિવને બુધવારે મીડિયા સાથેની વાતચીતમાં આ જાણકારી આપી છે. મીડિયા સામે પ્રેઝન્ટેશન આપતાં કે. સીવને કહ્યું કે, 'ભારતીય અંતરિક્ષ યાત્રી લો અર્થ ઓર્બિટ (ધરતીથી ૩૦૦-૪૦૦ કિમી દૂર)માં ૫-૭ દિવસ વિતાવશે. ત્યાર બાદ ગુજરાતના અરબ સાગરમાં ક્રૂ મેમ્બર અને મોડ્યુલ પરત આવી જશે.'

કે. સિવને કહ્યું કે, 'PM મોદીએ નક્કી કરેલી ૨૦૨૨ સુધીની ડેડલાઈનમાં જ ઈસરો ગગનયાનને લોન્ચ કરશે.' ૩ ભારતીયોને લઈને જનારા ક્રૂ મોડ્યુલ સાથે એક સર્વિસ મોડ્યુલ પણ હશે. આ બંને મોડ્યુલ્સને ભેગા કરીને ઓર્બિટલ મોડ્યુલ બનશે, જે એડવાંસ્ડ GSLV M-3 રોકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલાશે. આ યાત્રા પર એક અઠવાડિયા સુધી ૩ યાત્રીઓ માઈક્રોગ્રેવિટી અને અન્ય પ્રયોગ કરશે. પરત ફરતી વખતે ઓર્બિટલ મોડ્યુલ પોતાને રીઓરિએન્ટ કરી લેશે. ક્રૂ અને સર્વિસ મોડ્યુલ ૧૨૦ કિલોમીટરના અંતરે જુદા થઈ જશે.

ક્રૂ મોડ્યુલ એરબ્રેકનો ઉપયોગ કરીને સ્પીડ ઓછી કરશે અને અરબ સાગરમાં ઉતરતાં પહેલા પેરાશૂટ ખુલી જશે. કે. સિવને જણાવ્યું કે, જો કોઈ ટેકિનકલ સમસ્યા સર્જાઈ તો ક્રૂ મોડ્યુલને બંગાળની ખાડીમાં ઉતારવામાં આવશે. આ મોડ્યુલ ૩.૪ મીટર પહોળું હશે અને વજન આશરે ૭ ટન જેટલું હશે. તૈયારીઓ અંગે સિવને જણાવ્યું કે, 'પહેલી માનવરહિત ટેસ્ટ ફલાઈટ ઈસરો ૩૦ મહિનાની અંદર મોકલશે. જે બાદ બીજી માનવરહિત ટેસ્ટ ફલાઈટને ૩૬ મહિનાની અંદર મોકલાશે.' પ્રથમ હ્યુમન સ્પેસફલાઈટ ૪૦ મહિનાની અંદર મોકલવામાં આવશે.

કે. સિવને જણાવ્યું કે, 'આ મિશન માટે જરૂરી દરેક ટેકિનક વિકસાવી લેવામાં આવી છે. મિશન પર જનારા યાત્રીઓ માટે સ્પેસસૂટ તૈયાર છે. ભારતીય વાયુસેના અને ઈસરો દ્વારા સંયુકત રૂપે ક્રૂની પસંદગી કરવામાં આવશે. જે બાદ બેથી ત્રણ વર્ષ તેમને તૈયાર કરવામાં આવશે. યાત્રીઓને બેંગલુરુના ફેસિલિટી સેન્ટરમાં તૈયારી માટે મોકલીશું.' આ મિશનથી ૧૫,૦૦૦ નોકરીની તક ઊભી થશે. અંતરિક્ષ રાજયમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ક્રૂ મેમ્બર્સને ટ્રેનિંગ માટે દેશની બહાર પણ મોકલાઈ શકે છે.(૨૧.૧૫)

 

(11:34 am IST)